Home ગુજરાત ગાંધીનગર ગુજરાતના ગામડાઓની મહિલાઓ બની આત્મનિર્ભર

ગુજરાતના ગામડાઓની મહિલાઓ બની આત્મનિર્ભર

18
0

(જી.એન.એસ) તા.૨૯

ગાંધીનગર,

સખીમંડળની 8500 બહેનોએ ત્રણ મહિનામાં 5 હજાર મે. ટન લીંબોળી એકત્ર કરીને ₹4 કરોડની આવક મેળવી

28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તાલીમ મળી

રાજ્યમાં અત્યારે 2.79 લાખથી વધુ સ્વ સહાય જૂથોમાં 27 લાખથી વધુ પરિવારો સામેલ

23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમો અને PMJAY યોજનાનો લાભ મળ્યો

એક લાખથી વધુ જૂથોને ₹ 4338 કરોડની લોન આપવામાં આવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસના વિઝનમાં ભારતની નારી શક્તિનું ઉત્થાન કેન્દ્રસ્થાને રાખ્યું છે. ખાસ કરીને, ગામડામાં રહેતી મહિલાઓના સશક્તિકરણ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે જેથી તેઓ દેશના અર્થતંત્રમાં યોગદાન આપે અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે. રાજ્યમાં મિશન મંગલમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા મહિલા સ્વસહાય જૂથો આ દિશામાં સાર્થક નિવડ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, સ્વસહાય જૂથોને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. 31 જુલાઇના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વસહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ કાર્યક્રમ” માં સામેલ થશે. ગુજરાતના ગામડાઓની મહિલાઓની સાફલ્યગાથાઓ આજે સૌ માટે પ્રેરણા બની છે. એક ઉદાહરણ જોઇએ તો વર્ષ 2021-22માં રાજ્યની 8500 મહિલાઓએ, ત્રણ મહિનામાં 5 હજાર મેટ્રિક ટન લીંબોળી એકત્ર કરીને ₹ 4 કરોડની આવક મેળવી છે.

GNFC દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે, દવાઓ, નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનો બનાવવામાં થાય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) હસ્તક સ્વ સહાય જૂથની મહિલાઓ લીંબોળી એકત્ર કરીને, તેના વેચાણથી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021-22માં મે થી જુલાઈ માસ દરમિયાન (લીંબોળી પરિપક્વ થવાનો સમયગાળો) રાજ્યના 15 જિલ્લાના સ્વ સહાય જૂથોની 8500 મહિલાઓએ લીંબોળી એકત્ર કરીને ₹ 4 કરોડની આવક મેળવી છે.

3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તાલીમ મળી

વર્ષ 2010માં મિશન મંગલમ શરૂ થયા બાદ અત્યારસુધીમાં ગુજરાતના 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે. તાલીમના લીધે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાના વ્યવસાય શરૂ કર્યા છે. તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે.

23 લાખથી વધુ મહિલાઓને વીમા કવચ

રાજ્યમાં 2.79 લાખથી વધુ સ્વ સહાય જૂથોમાં 27 લાખથી વધુ પરિવારો જોડાયેલા છે. આ પૈકી  પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમા અને સ્વાસ્થ્ય સુરક્ષાનો લાભ મળ્યો છે.

એક લાખથી વધુ જૂથોને ₹ 4338 કરોડની લોન

રાજ્યના 118,000 જૂથોને માઇક્રોફાઇનાન્સ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹ 4338 કરોડની લોન આપવામાં આવી છે. રાજ્યમાં 113,287 નવા સ્વ સહાય જૂથો બનાવવામાં આવ્યા છે અને 156,214 જૂથોને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ 269,507 સ્વ સહાય જૂથો કાર્યરત છે.

7 લાખથી વધુ ઘરોમાં ન્યૂટ્રી ગાર્ડન, મેળાઓના આયોજનથી મહિલાઓને 10 કરોડથી વધુની વાર્ષિક આવક

કુપોષણને દૂર કરવા તેમજ મહિલાઓ માટે આવકના સ્ત્રોત વધારવાના હેતુથી, એગ્રી ન્યૂટ્રી ગાર્ડનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં સ્વસહાય જૂથોને ઉત્તમ ગુણવત્તાના બીજ આપીને ન્યૂટ્રી ગાર્ડન બનાવવા માટે મદદ કરવામાં આવે છે. અત્યાર સુધી 7,26,495 ઘરોને ન્યૂટ્રી ગાર્ડનમાં આવરી લેવામાં આવ્યા છે. તે સિવાય સરસ મેળા, પ્રાદેશિક મેળા, રાખી મેળા, અને નવરાત્રિ જેવા અલગ અલગ વાર્ષિક 10થી 12 મેળાના આયોજનથી મહિલાઓને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ થકી આજીવિકા ઊભી કરવામાં એક માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં ફ્રિઝ કરાયેલાં લગભગ 27 હજાર જેટલા બેંક ખાતાને અનફ્રિઝ કરાયા
Next articleવિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ હેતુ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ