Home મધ્ય ગુજરાત અમદાવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે

20
0

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોને તથા ક્વોરીને જોડતા આ રસ્તાઓના કામો થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો, નગરો, ગામોના ટ્રાફીકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે.

         ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની ફલશ્રુતિએ રાજ્યમાં મોટાપાયે ઉદ્યોગો આવતાં અપ્રતિમ ઔદ્યોગિક વિકાસ થયેલો છે. આવા ઉદ્યોગો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના વિઝનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક વધુ સુદ્રઢ કરવાના હેતુથી છેલ્લા બે વર્ષમાં રોડ સેક્ટરની નાણાંકીય જોગવાઈઓની ફાળવણીમાં ૮૦ ટકાથી વધુનો વધારો કરવાની પહેલ કરી છે.

         મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે. આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે. આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે. માર્ગોના મજબૂતીકરણ અને અપગ્રેડેશન માટે નાણાં ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે ભવિષ્યમાં ઉદ્યોગો માટે રો-મટીરીયલ, ફિનિશ્ડ પ્રોડક્ટસ તેમજ મુખ્ય અને ગૌણ ખનિજોના આવા-ગમનની સરળતામાં વધારો થતાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે. રાજ્યમાં વધુ પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપનાનો માર્ગ મોકળો થશે અને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતામાં ગુજરાત ‘વિકસિત ગુજરાત’ના નિર્ધારથી અગ્રીમ યોગદાન આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલી પંજાબી નામના વ્યાજખોરની સુરત પોલીસે ધરપકડ કરી
Next articleવૃક્ષયાત્રા બાદ વૃક્ષ પૂજન કરી 4,500 વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષમંદિર સમાન પ્રતીક્ષા વનના નિર્માણ માટે સમસ્ત ગ્રામજનો સહભાગી બન્યા