(જી.એન.એસ) તા. 16
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં ₹966 કરોડનો વધારો થયો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે.
સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે, જે આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન ‘વિકસિત ભારત @2047’ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.”
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?
આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. આમાં, વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહીતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સફળ રહ્યો ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પાયલટ પ્રોજેક્ટ
જૂન 2023 અને જાન્યુઆરી 2024ની વચ્ચે, ગુજરાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની પરિકલ્પનાને અનુસરતા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના પ્રવર્તમાન બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા અને વધારાનું ભંડોળ તેમના નવા બેંક ખાતાઓમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું. બંને જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે આ બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડનો વધારો થયો.
આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવા માટે, આ જિલ્લાઓમાં કુલ 1736 મંડળીઓ, જેમાં દૂધ સંઘો સાથે સંકળાયેલી અગ્રણી દૂધ મંડળીઓનો પણ સમાવેશ થાય છે, તેમને ‘બેંક મિત્ર’ બનાવી તેઓને માઈક્રો ATM (પોઇન્ટ ઓફ સેલ મશીન) પૂરા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સહકારી સંસ્થાઓ પર્યાપ્ત આવક મેળવે તે સુનિશ્ચિત કરવા માટે કમિશનના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જે માઇક્રો- ATMના અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે.
આ પહેલ હેઠળ, સભ્યો દ્વારા નાણાકીય સેવાઓ મેળવવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને, સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા 1631થી વધુ કર્મચારીઓને માઇક્રો- ATMના સંચાલન, રોકડ ઉપાડ અને થાપણો સહિત ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે.
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ મૉડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે
બનાસકાંઠા અને પંચમહાલમાં આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે તેમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે અને એ સુનિશ્ચિત કરી શકશે કે ગુજરાતની સહકારી સંસ્થાઓની મૂડી સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સભ્યો અને અન્ય સહકારી સંસ્થાઓને નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ઉપયોગી બને.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.