Home ગુજરાત ઉત્તર ગુજરાત ખેતી નિયામકની કચેરીએ દિવેલા પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે...

ખેતી નિયામકની કચેરીએ દિવેલા પાકોમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી સમયે લેવાના કેટલાક પગલાંઓ જાહેર કર્યા

17
0

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં વાવેતરની શરૂઆત થઇ ગઈ છે. ખરીફ ઋતુમાં રાજ્યના ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવી રહી છે. આ દિવેલા પાકોમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી સમયે જ કેટલાક પગલાઓ લેવામાં આવે તો, પાકને રોગમુક્ત અને જીવાતમુક્ત રાખી શકાય છે. ખેતી નિયામકની કચેરી દ્વારા દિવેલા પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડૂતો દ્વારા લેવાના કેટલાક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે.

ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા મુજબ દિવેલા પાકોના વાવેતર સમયે છાણિયા અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરી શકાય. દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી આવશ્યક છે. દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ અને ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રાખવાં કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા હિતાવહ છે. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો જીસીએચ-૭, જીસીએચ-૮, જીસીએચ-૯ અને જીસીએચ-૧૦ની વાવણી માટે પસંદગી કરવી લાભદાયી રહેશે.

વધુમાં જણાવ્યા અનુસાર, મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો જીસીએચ-૨ અથવા જીસીએચ-૬ની વાવણી કરવી. દિવેલાને ઘોડિયા ઇયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવા માટે દિવેલાનું વાવેતર ૧૫મી ઓગસ્ટની આસપાસ કરવું હિતાવહ છે. વાવેતર સમયે બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ ૩ ગ્રામ પ્રતિ કિલો પટ આપી વાવણી કરવી. દિવેલાના મૂળખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિલો ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર ૫૦૦ કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિશ્ર કરીને તેને વાવેતર પહેલાં ચાસમાં આપવું જોઈએ.

આ ઉપરાંત દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા ખેતી નિયામકની યાદીમાં વધુમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
Next articleબોટાદ જીલ્લામાં કાળુભાર ડેમમાં નવા નીર આવતા ડેમનું લેવલમાં 1.25 મીટરનો વધારો