ગુજરાત
સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર પાણીમાં હોય તેમ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રિથી મેઘરાજાએ રાજ્યના તમામ જીલ્લામાં પધરામણી કરી છે. જૂનાગઢના વંથલીમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢમાં મોડી રાત્રે 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી બાજુ ગઈકાલે ગિરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણામાં 7 થી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી
સુરત ગ્રામ્ય વિસ્તારો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. પલસાણાનાં બલેશ્વર ગામે પાણી ભરાયા છે. ફળિયાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાતાં લોકોને પરેશાની વેઠવી પડી છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે.
ગિરમાં સર્જાયા મનમોહક દ્રશ્યો
ગિરમાં યાત્રાધામ તુલસીશ્યામમાં ધમધોકાર વરસાદ વરસતા લીલીછમ વનરાઈના આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદથી નદીઓ ચારે બાજુ વહેતી થઈ ગઈ છે.
વિલીંગ્ડન ડેમ ઓવર ફ્લો
જૂનાગઢ શહેરમાં વિલીંગ્ડન ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે. નયન રમ્ય નજારો જોવા લોકો ઉમટી પડ્યાં છે. નવાબી કાળનો ડેમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બનાસકાંઠાના કાંકરેજમાં સાર્વત્રિક વરસાદ
બનાસકાંઠાના કાંકરેજમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ધીમી ધારે વરસાદનાં આગમનથી ધરતીપુત્ર ખુશ થયા છે. કાંકરેજના થરા, ખારિયા, ટોટાણા, વડા, ડુંગરાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
મહેસાણા જળબંબાકાર
મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. કડી વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે પાણી ભરાયા છે. કડી છત્રાલ રોડ ઉપર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વલસાડમાં પવન સાથે વરસાદ, વાહનો કતારમાં
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે. વાપી શામળાજી હાઇવે પર વૃક્ષ ધરાસાયી શયું છે. કપરાડાના બાલચોંડી નજીક મહાકાય નીલગીરીનું વૃક્ષ હાઇવેની વચ્ચે જ પડ્યું હોવાથીકલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થતાં ત્રણ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતાર જોવા મળી છે. વાપી શામળાજી હાઇવે પર ટ્રાફિક જામને કારણે નાસિક, ધરમપુર અને પારડી તરફનો વાહન વ્યવહાર અટકી ગયો છે.
જૂનાગઢ માંગરોળ પંથક બેટમાં ફેરવાયું
જૂનાગઢ માળીયાહાટીનામાં ગઈકાલથી સતત ધોધમાર વરસાદ વરસતાં માંગરોળ પંથક જળબંબાકાર થઈ ગયું છે. ઓઝત નદીનાં પાળો તૂટતાં ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે. નજીકનાગામોમાં વીજળી ગૂલ થઈ છે અને માંગરોળ ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
નવસારીમાં અનરાધાર મેઘો
નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. નવસારી, જલાલપોરમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. 24 કલાકમાં નવસારીમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર તાલુકામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી, જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા કલેકટરે ટ્વીટ કરી સૂચના આપી છે.
પ્રાંચી તીર્થમાં માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ
ગિર સોમનાથમાં સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થમાં માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદીમાં નવા નીર આવતાં વધામણા કરાયા છે. ભગવાન માધવરાય પાણીમાં ગરકાવ થયા છે.
રાજકોટમાં વરસાદ
રાજકોટમાં જસદણના આટકોટમાં વરસાદી માહોલ છે. આટકોટ, ખારચીયા સહિત વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતાં રસ્તા પર પાણી વહ્યા છે. પવન સાથે ધોધમાર વરસાદ પડતાં લોકો ઘરમાં ભરાઈ રહ્યાં છે. વરસાદના પગલે કુલ 14 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજી-3 ડેમમાં 3.41 ફૂટ,સોડવદર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.08 ફૂટ, મોજ ડેમ 4.20, ફોફળ ડેમ 2.40 ફૂટ, આજી-2 ડેમ 0.10 ફૂટ, સુરવો ડેમ 10 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33, છાપરાવાડી-2 ડેમ 4.59 ફૂટ અને ભાદર-2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થઈ છે.
હિરણ નદીમાં નવા નીર આવ્યા
તાલાલાની હિરણ નદીમાં આવ્યા નવા નીર આવતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સમગ્ર ગીર પંથકમાં હરિયાળી છવાઈ ગઈ છે. સહેલાણીઓ પ્રકૃતિની મજા માણી રહ્યાં છે.
ગિરનારમાં વરસાદના સુંદર દ્રશ્યો
ગિરનાર પર ધોધમાર વરસાદના દ્રશ્યો જોવા મળ્યા છે. પગથિયા પરથી પાણી વહેતા થયાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે ધોધ પડી રહ્યો છે. ગિરનાર પર્વતનો અદભુત નજારો સામે આવ્યો છે. પણ પગથિયા ઉપર પાણી ફરી વળતાં યાત્રાળુઓને મુશ્કેલી વેઠવી પડી છે. પ્રવાસીઓ પ્રકૃતિની રમણીય મજા માણી રહ્યાં છે.
સાબરકાંઠામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તલોદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને આવનજાવન કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંભોઈ સર્વિસ રોડ પર વાહનચાલકો સહિત સ્થાનિકો હેરાન થયા છે.
પાટણમાં ધીમી ધારે વરસાદ
પાટણમાં વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી છે. સાતલપુર અને આજુબાજુના ગામોમાં વરસાદ વરસ્યો છે. પાટણ,રાધનપુર સહિત તાલુકામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે લોકોમાં ખુશીઓ જોવા મળી છે. ખેડૂતો મેઘાના આગમનથી ખુશ થઈ ગયા છે. રાધનપુર, પીપળી, શબ્દલપુરામાં પણ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી લોકોના ઘર, દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભરૂચમાં સાર્વત્રિક વરસાદ
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. હાંસોટમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર 3.5 ઇંચ, ભરૂચ 2.5 ઇંચ, વાલિયા, નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારો વર્ષાથી અસરગ્રસ્ત
અમરેલીમાં રાજુલામાં બે દિવસથી મેઘરાજાનું આગમન થયું છે. મોડીરાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. રાજુલા શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ પડયો છે. રાજુલાના ડુંગર, મોરંગી વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા પણ વરસાદથી અસરગ્રસ્ત થયું છે. અવિરત વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે.
વંથલીમાં 14 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે તંત્રએ શાળાઓમાં રજા જાહેર કરી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર અપાઈ છે. તેમજ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદના આંકડા મુજબ 22 કલાકમાં સૌથી વધુ વંથલી તાલુકામાં 14.44 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતમાં મોડી રાત્રે વૃક્ષ ધરાશાયી
સુરત જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઓલપાડમાં રાત્રે પવન સાથે વરસાદ પડતાં ઓલપાડ સાયણ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વાન પર વૃક્ષ પડતાં વાનને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.