Home ગુજરાત ગાંધીનગર દીકરીઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર થાય : રાજ્યપાલ શ્રી...

દીકરીઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર થાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

25
0

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

દીકરીઓ ઘરના વાતાવરણને સંસ્કારિત કરીને પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર થાય. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પુરુષોની સરખામણીએ માતાઓ-બહેનો-દીકરીઓ વિશેષ જવાબદારી, મનોયોગ અને આત્મીયતાથી પોતાની ફરજ નિભાવે છે. ભારત દેશ આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે નૈતિક મૂલ્યોના જતન અને સંવર્ધન માટે દીકરીઓ આગળ આવે.

સાર્વદેશિક આર્ય વીરાંગના દળની રાષ્ટ્રીય શિબિર હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં યોજાઈ હતી. દસ દિવસીય શિબિરમાં હરિયાણા ઉપરાંત પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને છત્તીસગઢ સહિત નવ રાજ્યોની 400 આર્ય વીરાંગનાઓએ ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય શિબીરના સમાપન સમારોહમાં રાજભવન-ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સાંપ્રત વાતાવરણમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ચિંતન અને આર્ય સમાજની વિચારસરણીની પ્રબળ આવશ્યકતા છે. આર્ય વીરાંગના દળની દીકરીઓને તેમણે દેશની યુવા પેઢીના નિર્માણમાં, સામાજિક જાગૃતિમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

એક સમય એવો હતો કે બહેન-દીકરીઓ-માતાઓને યજ્ઞ-વેદાભ્યાસનો પણ અધિકાર ન હતો. પરંતુ સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષોના પ્રયાસોથી પરિસ્થિતિ બદલાઈ છે. આજે તો ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં બહેન-દીકરીઓએ નવા કીર્તિમાન પ્રસ્થાપિત ન કર્યા હોય. ગુજરાતની યુનિવર્સિટીઓમાં દીક્ષાંત સમારોહમાં હું જોઉં છું કે, પ્રથમ 100 ક્રમાંકમાં 80 દીકરીઓ હોય છે. તેમણે દીકરીઓને મનથી મક્કમ અને તનથી સક્ષમ બનવા આહ્વાન કર્યું હતું.

સાર્વદેશિક આર્ય વીરાંગનાદળની રાષ્ટ્રીય શિબિર દરમિયાન મળેલા શિક્ષણ અને પ્રશિક્ષણને જીવનની પૂંજી બનાવવાની પ્રેરણા આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતીય મૂલ્યો અને વેદોમાં વિશ્વ કલ્યાણનું ચિંતન છે. શિબિરમાંથી સાંપડેલા વિચારોનો વિસ્તાર કરીને સમાજને જોડવામાં, રાષ્ટ્રની એકતામાં દીકરીઓ યોગદાન આપે. તેમણે સંસ્કાર સિંચન માટેની આ શિબિરમાં ભાગ લેવા બદલ દીકરીઓને અને તેમના માતા-પિતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે આયોજિત આ શિબિરમાં સાર્વદેશિક આર્ય વીરદળ ન્યાસના અધ્યક્ષ સ્વામી ડૉ. દેવવ્રત સરસ્વતીજીના માર્ગદર્શનમાં અનુભવી પ્રશિક્ષકો દ્વારા આર્ય વીરાંગનાઓને શારીરિક, બૌદ્ધિક શિક્ષણની સાથોસાથ આત્મરક્ષાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. વીરાંગનાઓને વ્યાયામ, આસન, પ્રાણાયામ, ષટ્કર્મ, ધ્યાન, સંધ્યા અને યજ્ઞ ઉપરાંત સૈનિક શિક્ષા તથા પ્રાથમિક ચિકિત્સાની પણ તાલીમ આપવામાં આવી હતી.

સમાપન સમારોહમાં સાર્વદેશિક આર્ય વિરાંગના દળના પ્રધાન સંચાલિકા શ્રીમતી વ્રતિકા આર્યાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. અંતમાં સ્વામી ડૉ. દેવવ્રત સરસ્વતીજીએ આભાર વિધિ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત ક્રિકેટ એસોસિએશને (જીસીએ) દરેક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને પેન્શનની દરખાસ્ત સ્વીકારતા મોટી ભેટ આપી
Next articleફ્રાન્સમાં ગ્લેશિયર પર બનેલ તળાવની દિવાલ તૂટી, અચાનક પૂરથી ઇટાંકોન્સ ટોરેન્ટ નામનો પુલ તૂટી ગયો