(જી.એન.એસ) તા. 10
ગાંધીનગર,
ગુજરાતમાં અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી-કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા બે દિવસીય અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આશરે ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓએ અર્બન હોર્ટીકલ્ચર, પ્લગ નર્સરી@હોમ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી હતી.
આ બે દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચરના મહત્વ અને અગત્યતા, નવા સચિવાલય ઇકો ક્લબ, આદર્શ કિચન ગાર્ડન આયોજન અને વ્યવસ્થાપન, હાઈડ્રોપોનીક્સ પરિચય અને વ્યવસ્થાપન, માઈક્રોગ્રીન્સ નિદર્શન અને મહત્વ તેમજ ટેરરીયમના વિવિધ આયામો અંગે વિષય નિષ્ણાતો દ્વારા સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાગાયત નિયામકશ્રીએ પણ આ તાલીમમાં ઉપસ્થિત રહી, તાલીમાર્થીઓને અર્બન હોર્ટીકલ્ચર સહિતના વિષયો પર અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચરમાં પ્રાકૃતિક કૃષિનો સમન્વય કરવા માટે પ્રાકૃતિક પદ્ધતિઓ, જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત અને મલ્ચીંગ જેવા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ તાલીમાર્થીઓને કેપિટલ નર્સરી, સેક્ટર-૮ ખાતે કિચન ગાર્ડનની પ્રેક્ટીકલ તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓને વિવિધ સાધનોના ઉપયોગ, કમ્પોસ્ટ બનાવવાની રીત, કુંડા ભરવા અને મીડિયા તૈયાર કરવા, ઋતુવાર પાક પસંદગી અને તેની વાવેતર પદ્ધતિ તેમજ રોગ અને જીવાત નિયંત્રણ અંગે પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. બે દિવસીય તાલીમના અંતે તાલીમાર્થીઓને બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.