(જી.એન.એસ) તા. 10
અમદાવાદ/ગાંધીનગર/સુરત,
રાજ્યના દરેક જિલ્લામાં રવિવારથીજ પ્રી મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ હતી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર શીત અનેક જિલ્લાઓમાં બપોરથીજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજના સમયે વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા. જેથી લોકોમાં પણ ગરમી થી રાહતનો અનુભવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. વલસાડ, ધરમપુર, કપરાડામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો છે. પારડી, ઉંમરગામ, વાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડવાસીઓને ભારે ઉકળાટથી રાહત મળી છે. રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. વાસાવડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પૂર આવ્યું છે. વવડી-ચમારડીમાં નદીમાં નવા નીર આવ્યા છે.
ચોમાસાના આગમન પહેલા ભાવનગરમાં મિની વાવાઝોડા જેવો માહોલ છે. જોરદાર મિની વાવાઝોડા સાથે હવામાનમાં પલટો આવ્યો છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ઘૂળની આંધી જોવા મળી. ધૂળ સાથે અત્યંત ભારે પવન ફૂંકાતા ઝીરો વિઝિબિલિટી જેવો માહોલ સર્જાયો છે. ધૂળની આંધીના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ ગરમીથી રાહત મેળવવા માટે વધુ રાહ નઈ જોવી પડે તેવા સમાચાર આપ્યા છે. રાજ્યમાં આવનારા 2 દિવસમાં મેઘરાજાની પધરામણી થશે. ગુજરાતથી 20 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે.
રાજ્યમાં આગામી 7 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ આગાહી કરાઇ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.