(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરાયો છે.
ઉનાળામાં મગફળીની ઉંડી ખેડ કરવી, જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો (ઢાલિયા) બહાર આવે અને સૂર્યતાપ કે પરભક્ષીઓથી તેનો નાશ થઇ શકે. આ સાથે જ થડના કે ડોડવાના કોહવરાથી રક્ષણ મેળવવા માટે ટ્રાયકોડર્માં ફૂગ આધારીત પાવડર ૨.૫ કિ.ગ્રા.ને ૩૦૦ થી ૫૦૦ કિલો એરંડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવા જણાવાયું છે.
શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ લીટર પાણીમાં ૨૦ મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરી શકાય, જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થઇ શકે. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી હિતાવહ છે. પૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
આ ઉપરાંત મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર (ન્યુનતમ ૧૦*સીએક્યુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦કિ.ગ્રા/હે) સાથે જમીનમાં આપી શકાય. આ સાથે જ મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩જી 33 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું હિતાવહ છે.
ખેતી નિયામકની યાદીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બીજ માવજતની ભલામણો અંગે જણાવાયું છે કે, મગફળીમાં ઉગસૂકના રોગના નિયંત્રણ માટે બીજને થાયરમ ૩ ગ્રામ + સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ (ટાલ્ક બેઈઝ) ૫ ગ્રામ અથવા ફક્ત થાયરમ/ કપ્તાન/ મેન્કોઝેબ ૩ થી ૪ ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ ૧.૨૫ ગ્રામ ૮ કિગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી જોઈએ.
વધુમાં જણાવ્યા અનુસાર મગફળીમાં મૂળનાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસીલોમાયસીસ લીલાસીનસ (ટાલ્ક બેઈઝ) ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી જોઈએ. સફેદ ધૈણ/મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧-૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ ફિલો બીજ દીઠ બીજને પટ આપી, બે થી ત્રણ કલાક બીજને છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.