Home ગુજરાત ગાંધીનગર મગફળીમાં જમીનજન્ય રોગ, જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા તથા વાવણી સમયે લેવાના...

મગફળીમાં જમીનજન્ય રોગ, જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા તથા વાવણી સમયે લેવાના પગલાં

18
0

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

ખરીફ ઋતુમાં મગફળીના વાવેતર ની તૈયારીઓને ધ્યાને રાખી મગફળીમાં જમીનજન્ય રોગો તથા જીવાતોના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે સાવચેતીના ભાગરૂપે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગર દ્વારા ખેડૂતોને  કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

મગફળીની વાવણી પહેલા અને વાવણી સમયે લેવાના થતા પગલાં મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ વાપરવા તથા સંપૂર્ણ સડી ગયેલ સેન્દ્રીય ખાતર વાપરવાની સલાહ આપવામાં આવી છે. જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલું વાવેતર કરવું, ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો એટલેકે ઢાલિયા બહાર આવવાથી સૂર્યના તાપ અને પરભક્ષીઓથી તેમનો નાશ થાય. ઉપરાંત થડનો કોહવારો અને ડોડવાના કોહવારાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડર્મા ફુગ આધારીત પાવડર ૨.૫ કિ.ગ્રાને ૩૦૦ થી ૫૦૦ કિલો એરંડાના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું. શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા, પાળા પરના બધા ઝાડ ઉપર ક્લોરોપાયરીફોસ ૨૦% ઈ.સી દવા ૧૫ લિટર પાણીમાં ૨૦ મી.લી ઉમેરી આ મિશ્રણનો છંટકાવ કરવો. જેથી ઝાડ પર એકઠા થયેલા ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ત્રણથી ચાર દિવસમાં જ પૂર્ણ કરવી.

તદુપરાંત ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રી દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલીયા ભેગા કરી તેનો નાશ કરો. મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાન અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર  વાવેતર પહેલા એરંડીના ખોળ સાથે જમીનમાં આપવું. અને મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દિવેલાનો ખોળ ૫૦૦ કિલોગ્રામ હેક્ટર પ્રમાણે આપવો.

આ સિવાય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બીજ માવજતની પણ ભલામણો કરવામાં આવી છે, જે મુજબ મગફળીમાં ઉગસૂકના રોગ નિયંત્રણ માટે બીજને થાઈરમ ૩ ગ્રામ અને સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ટાસ્ક બેઈઝ ૫ ગ્રામ અથવા ફક્ત થાઇરમ, કપ્તાન, મેન્કોઝેબ ૩ થી ૪ ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ ૧.૨૫ ગ્રામ  પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજ માવજત આપવી.મગફળીમાં મૂળના ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસિલોમાઈસીસ લીલાસીનસ ટાલ્ક બેઈઝ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

આજ રીતે સફેદ ઘૈણ મૂંડાના નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦% ઈ. સી ૨૫ મી.લી અથવા ફીપ્રોનીલ ૪૦% અને ઈમીડાક્લોપ્રીડ ૪૦% , ડબ્લ્યુજી ૧ થી ૫ ગ્રામ અથવા ક્લોથિયાનીડીન ૫૦% , ડબ્લ્યુજી ૪ ગ્રામ પ્રતિ એક કિલો બીજ દીઠ બીજને પટ આપી બે ત્રણ કલાક બીજને છાયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.

વાવણી પહેલા કે વાવણી સમયે ઉપયોગમાં લેવાતી દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલી લેબલ મુજબ જે તે પાક માટે દર્શાવેલા ડોઝ અને જે તે રોગ, જીવાત માટેની દવા ભલામણ મુજબ અનુસરવા ખેડૂતોને અનુરોધ છે.

આ તમામ માહિતી પ્લાન્ટ પ્રોટેકશન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગર દ્વારા ખેડૂતહિતમાં પ્રસિધ્ધ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ એનડીએના 146મા કોર્સની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી
Next articleસાબરકાંઠાના પ્રાંતિજમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકીના મોત