Home ગુજરાત ગાંધીનગર અખાત્રીજના પાવન પર્વે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે પ્રાકૃતિક રાષ્ટ્રીય...

અખાત્રીજના પાવન પર્વે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે પ્રાકૃતિક રાષ્ટ્રીય કક્ષાના કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા વિસ્તૃત વિચાર-વિમર્શ

27
0

પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણની પદ્ધતિ સરળ, સચોટ અને ઝડપી હોય એ જરૂરી : શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

અક્ષય તૃતિયા – અખાત્રીજના પાવન પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે દેશભરના પ્રાકૃતિક કૃષિ તજજ્ઞોની ચિંતન બેઠક-કાર્યશાળા યોજાઈ હતી. હરિયાણામાં કુરુક્ષેત્ર ખાતે આયોજિત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોની આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ માટે સચોટ અને સરળ પદ્ધતિ વિકસાવવા તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના માનદંડ નિર્ધારણ કરવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.

હરિયાણાના કુરુક્ષેત્રમાં 180 એકરના પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. કુરુક્ષેત્ર ખાતે આયોજિત આ બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળે, યોગ્ય ભાવ મળે અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને ખાતરીબદ્ધ ઉત્પાદનો મળે એ હેતુથી યોગ્ય માનદંડ નક્કી થાય અને ચોક્કસ નીતિ ઘડતર થાય એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ-સર્ટિફિકેશનની પદ્ધતિ સરળ, સચોટ અને ઝડપી હોય એ જરૂરી છે એમ પણ તેમણે કહ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ બેઠકમાં કૃષિ વિશેષજ્ઞો અને કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતાં કહ્યું હતું કે, સંશોધનોમાં આવ્યું છે કે, આપણે જે ઘઉં અને ચોખા ખાઈએ છીએ તેમાં જરૂરી પોષક તત્વો છે જ નહીં, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી અનાજ, ફળ અને શાકભાજીના માધ્યમથી ધીમું ઝેર આપણા શરીરમાં પ્રવેશી થયું છે. પરિણામે આપણે ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. ગ્લોબલ વૉર્મિંગ માટે પણ રાસાયણિક ખેતી 24% જવાબદાર છે. તો સામે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનની ગુણવત્તા અને કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સુધરે છે. સૌને સ્વાસ્થ્યપ્રદ અનાજ મળે છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીના પાક વધુ મજબૂત અને સક્ષમ હોવાથી કુદરતી આફતો વખતે ખેડૂતોને ઓછું નુકસાન વેઠવું પડે છે. આ તમામ બાબતો કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો પછી સાબિત થઈ છે, પરિણામે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે અને વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેત ઉત્પાદનો ખરીદવા આગળ આવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ માટે ચોક્કસ નીતિ નિર્ધારણ થાય તે વર્તમાન સમયની માંગ છે. આ દિશામાં વિચાર-વિમર્શ કરવા હજુ વધુ બેઠકો યોજાશે.

ભારતના નિષ્ણાત કૃષિ વૈજ્ઞાનિકો પદ્મશ્રી ડૉ. હરિઓમ, હિમાચલ પ્રદેશના પ્રો. રાજેશ્વર ચંદેલ, આંધ્રપ્રદેશના ડૉ. ડી.વી. રાયડુ, હરિયાણાના ડૉ. બલજીતસિંહ સહારન, ડૉ. રાજીન્દર ચૌધરી, પંજાબના શ્રી ઉમેેન્દ્ર દત્ત, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સી ગોપકાના પૂર્વ ક્વૉલિટી મેનેજર શ્રી રમણ ઓઝા, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઑર્ગેનિક એગ્રીકલ્ચર મુવમેન્ટના બોર્ડ મેમ્બર શમિકા મોને, પાર્ટીસીપેટરી ગેરન્ટી સિસ્ટમ ઑફ ઇન્ડિયાની ઑર્ગેનિક કાઉન્સિલના સેક્રેટરી શ્રી જોય ડેનિયલ, તેલંગાણાના શ્રી રવિન્દ્ર એ. શ્રીમતી ચંદ્રકલા પી. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડાના જનરલ મેનેજર ડૉ. સાસ્વતી બોઝ, એસોસીએશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. પીવીએસએમ ગૌરી, ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. યોગીતા રાણા, નાયબ સચિવ રચના કુમાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-icar ના ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને પરિણામલક્ષી વિચાર-વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ‘નેચરલ ફાર્મિંગ એન્ડ સાયન્સ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી ડૉ. હરિઓમ, ડૉ. બલજીતસિંહ સહારન, ડૉ. વિજય અને ડૉ. વેદપાલ ચહલ લિખિત હિન્દી પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ કે મૂલભૂત સિદ્ધાંત’ નું આ અંગ્રેજી સંસ્કરણ પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા સંશોધકો, વૈજ્ઞાનિકો અને ખેતી નિષ્ણાતોને વિશેષ ઉપયોગી થઈ પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોપ ફ્રાન્સિસે ઈટાલિયનો દ્વારા વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી અને ચેતવણી આપી કે દેશની વસ્તી વિષયક કટોકટી ભવિષ્ય માટે ખતરો છે
Next articleદારૂ નીતિ કેસ: સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા