જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સ્થળ અને રૂટની કરી સમીક્ષા, આશરે 2500થી વધુ યુવાનો જોડાશે ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં
ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ સંદર્ભે કરાયું વિશેષ આયોજન
(જી.એન.એસ) તા. 30
અમદાવાદ,
રાજ્યમાં આગામી તા.7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
સમગ્ર રાજ્યની સાથે સાથે અમદાવાદમાં ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે તા.5મી મેના રોજ ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી તા.5મી મેના રોજ સવારે 7 વાગ્યે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતીના હસ્તે રન ફોર વોટને ફ્લેગઑફ અપાશે.
રન ફોર વોટના સફળ આયોજનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ રિવરફ્રન્ટ ખાતે સ્થળ મુલાકાત લઈને રૂટની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સમીક્ષા કરી ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યાં હતાં. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘રન ફોર વોટ’માં આશરે 2500થી વધુ યુવાનો જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરશે. ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર સુધી પહોંચશે અને ત્યાંથી અટલબ્રિજ પરત ફરશે.
આ સ્થળ મુલાકાત અને સમીક્ષા પ્રસંગે અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબહેન ગુપ્તા અને જે-તે વિભાગના સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.