(જી.એન.એસ) તા. ૧૬
અમદાવાદ,
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ખુબ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે નાથના ઓવારણા લેવા, વ્હાલાના વધાવવા માટે આખુય શહેર જાણે હિલોળે ચડ્યુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. જે-જે રૂટ પરથી રથયાત્રા નીકળી હતી ત્યાં હજારો ભક્તો નાથને નિહાળવા રાહ જોઈ રહ્યા છે. આ રથયાત્રાની ખરી શોભા એટલે ગજરાજ. જેમને રથયાત્રાનું પહેલુ આમંત્રણ મળે છે. તેમના દ્વારા જ પ્રથમ પ્રસ્થાન કરવામાં આવે છે. આ રથયાત્રામાં 18 ગજરાજ જોડાા છે. 30 જેટલા અખાડાના કરતબ બાજો અદ્દભૂત કરતબો બતાવી રહ્યા છે અને ભાવિકોને આકર્ષી રહ્યા છે.
જગતના નાથ જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વિશાળ અને અલૌકિક દૃશ્યો જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં સૌપ્રથમ ‘નંદિઘોષ’ રથ પર ભગવાન જગન્નાથ બિરાજમાન થયા છે. ત્યારબાદ વચ્ચે ‘પદ્મધ્વજ’ રથમાં બહેન સુભદ્રાજી વિદ્યમાન થયા હતા અને ‘તાલધ્વજ’ રથ પર બળભદ્રજી બિરાજમાન છે. બંને ભાઈઓની વચ્ચે બહેન સુભદ્રાજી નો રથ રાખવામાં આવ્યો હતો ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ભાઈ હંમેશા બહેનની રક્ષા કરે છે તે પણ અહીં જોવા મળ્યા હતા. બંને ભાઈઓની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ ચાલી રહ્યો હતો.
આ વખતે રથયાત્રામાં 101 ટ્રક જોડાયા છે. જેના પર વિવિધ સંદેશાઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરાઈ છે. રથયાત્રામાં સામેલ 18 ભજન મંડળીઓ અને ભજનિકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો.
આટલી ગરમીમાં પણ ભક્તો શા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, આ કયો ભાવ છે, કયો જુસ્સો છે, કઈ શક્તિ છે જે તેમને આટલું જોમ પૂરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા ડોક્ટર કૃણાલ જોષીએ સુંદર સમજૂતી આપી. તેમણે હરિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે “ભક્તજનાનામ પાપાન તાપાન હરતિ ઈતિ હરિ” અર્થાત્ જે ભક્તોના પાપ અને તાપને હરી લે તે હરિ. મનુષ્યના જીવનમાં બે પ્રકારના તાપ હોય છે, એક બાહ્ય તાપ અને બીજો આંતરિક તાપ. બાહ્ય તાપ એટલે શારીરિક ગરમી, થાક, કે બહારની કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ. જ્યારે આંતરિક તાપ એટલે આધી (માનસિક પીડા), વ્યાધી (શારીરિક રોગ) અને ઉપાધી (સામાજિક કે વ્યવહારિક મુશ્કેલીઓ).
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને શાહપુર પહોંચી હતી.જ્યાં કોમી એકતાનો સંદેશ અપાયો હતો.શાહપુરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહપુરમાં ભગવાનની રથયાત્રા આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ સહિતના લઘુમતિ તથા હિન્દુ આગેવાનો દ્વારા ભગવાનના રથ અને મહંત દીલિપદાસજીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું.આ દરમિયાન કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો.મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત દરિયાપુર અને શાહપુરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાહપુર પહોંચેલી રથયાત્રામાં કોમી એકતાના પ્રતિક સમાન સફેદ કબૂતર ઉડાડીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રંગીલા પોલીસ ચોકી પાસે પહોંચેલી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કહ્યું હતું કે, ભાવિક ભક્તોને જય જગન્નાથ. આજે રથયાત્રા નીકળી છે.અમે 38 વર્ષથી સ્વાગત કરીએ છીએ. અહીં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાય છે. અમારા માટે પણ આજનો દિવસ અનેરો છે. રાજ્યમા વરસાદની અછત દૂર થાય અને આજથી વરસાદ શરૂ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ. એક સમયે જનતા કર્ફ્યૂ રહેતો હતો આજે બધા એકતા રાખી શાન વધારી રહ્યાં છે. આવું જ આખા દેશ અને રાજ્યમાં થાય અમન અને શાંતિ રહે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાને ભગવાનના રથને ખેંચીને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. મુખ્ય પ્રધાને ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી આજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળ્યા છે. પ્રભુ આજે સામે ચાલીને શ્રમિકો, ગરીબો અને સૌ નાગરિકોને આશીર્વાદ તેમજ દર્શન આપી રહ્યા છે. આ ભવ્ય રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખડેપગે સેવારત રહેનારા સૌ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ-નાગરિકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
અષાઢી બીજના પવિત્ર દિવસે નગરચર્યાએ નીકળેલા ભગવાનની વિશેષ આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભગવાનને વિશેષ લાડ લડાવવામાં આવે છે. ભાણેજને લાડ લડાવવા માટે સરસપુરવાસીઓ ભાવવિભોર બન્યા છે. ભોજનમાં ભગવાનને ભાવતા મિષ્ઠાન પિરસવામાં આવી રહ્યા છે.
સરસપુરમાં મામાના ઘરેથી ભગવાનનું લાખેણુ મામેરુ કરવામાં આવે છે. પહેલા ભાવતા ભોજન અને ત્યારબાદ તેમને અનેક કિમતી ભેટ સોગાદો આપીને ભગવાનનું મામેરુ કરવામાં આવે છે. જેમા ભગવાનને વિશેષ વાઘા, અને આભૂષણોની ભેટ ચડાવવામાં આવે છે. ભગવાનના અલૌકિક વાઘા, કિંમતી આભૂષણો અને મનમોહક શણગારના ભક્તોને દર્શન થશે.
જો કે આ વખતે પ્રથમ વખત સરસપુરમાં બે મામેરા કરવામાં આવશે.. જેમાં મોરપીંછ આધારિત વાઘા, દક્ષિણ ભારતીય આભૂષણો, આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્કથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે.. સાથે જ રાજસ્થાની ગોટાપટ્ટીના વર્ક વાળા વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જ્યારે સરસપુરથી પ્રસ્થાન કરશે ત્યારે તેમને લાખેણુ મામેરુ આપીને વિદાય આપવામાં આવે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.ભારે ભીડ,ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે રથયાત્રાના રૂટ પર આરોગ્ય સંબંધી નાની-મોટી તકલીફોના કારણે કુલ 41 જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા. આ તમામ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમોએ સજ્જ રહીને દર્દીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.
આ તમામ કેસોમાં સૌથી વધુ 15 કેસ ભારે ભીડ અને બફારાને કારણે ચક્કર આવવાના નોંધાયા હતા.આ ઉપરાંત ગીચતાવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાના 5 કેસ અને ચાલુ રથયાત્રા દરમિયાન સંતુલન ગુમાવીને પડી જવાના 4બનાવો સામે આવ્યા હતા. રથયાત્રાના રૂટની આસપાસ માર્ગ અકસ્માતના 3 કેસ અને પેટના દુખાવાના 2 કેસ પણ નોંધાયા હતા. જેમાં દર્દીઓને સમયસર મદદ પહોંચાડવામાં આવી હતી.
અન્ય સામાન્ય તકલીફવાળા દર્દીઓને પણ મેડિકલ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી હતી. રથયાત્રાને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી આરોગ્ય સુવિધાઓ અને મોબાઈલ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને કારણે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી શકી હતી, જેના લીધે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.

