(જી.એન.એસ) તા. ૧૯
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે હોદ્દેદારોની વરણી થઈ રહી છે. ત્યારે ચૂંટણી વખતનું મનદુઃખ હજી સમાયું નથી. ભરુચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની ટિપ્પણી અને પક્ષના જ સંગઠન સામે સવાલો ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના એક ‘મનોમંથન કાર્યક્રમ’માં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નર્મદા અને ભરુચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભાજપના મનોમંથન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) સામે સીધો મોરચો ખોલ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘સામે પક્ષેથી ચૈતર વસાવા ડરાવે એ તો યોગ્ય છે, પરંતુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ જો કાર્યકર્તાઓને ડરાવે, તો એનો અર્થ એ થયો ને કે તેઓ ચૈતર સાથે મળેલા છે!’
મનસુખ વસાવાએ એવો આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મહામંત્રી કે જિલ્લા પ્રમુખ કોઈ જગ્યાએ પ્રચારમાં નીકળ્યા નહીં એટલે પરાજય થયો છે. આ ભાજપ છે કોઈનું પણ આ પ્રકારનું વલણ ચલાવી નહીં લેવાય. નર્મદા જિલ્લામાં હાર પાછળનું મુખ્ય કારણ જિલ્લા પ્રમુખ નીલ રાવ છે. તેમણે ભાજપના સિનિયર નેતાઓને પૂછ્યું જ નહીં તેનું આ પરાજયનું પરિણામ આવ્યું છે. મનસુખ વસાવાના નિવેદનને લઈને નર્મદા જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, ‘જિલ્લા પ્રમુખ નિલ રાવને કોઈનાથી ડરવાની જરૂર નથી. જો તમારે રાજકીય કરિયર બનાવવું હોય તો અમારી સાથે જોડાઈ જાવ. વર્ષોથી અમે પક્ષ માટે કામ કરીએ છીએ, તમે તો આજકાલના આવેલા છો! જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) પહેલાં ક્યાં હતો? તે ઓરિજિનલ ભાજપનો નથી અને હમણાં અહીં આદિવાસીઓને ડરાવવા નીકળી પડ્યા છો? નિલ ક્યાં હતો અને તારું શું અસ્તિત્વ હતું?’
સોશિયલ મીડિયાના હીરો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શક્યા નથી
ચૂંટણી પરિણામો અને આંતરિક જૂથવાદ અંગે નિખાલસતાથી બોલતા સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું કે, ‘ચૂંટણી હારવા માટે કદાચ મારી પણ કોઈ ભૂલ હશે, પણ સરકારની યોજનાઓ વિશે ભોલાએ અને નિલે લોકો સુધી વાત જ નથી પહોંચાડી. આ લોકો માત્ર સોશિયલ મીડિયામાં જ હીરો થઈ જાય છે. ડુમખલના પોપટનો ખોટો મુદ્દો ઉછાળવામાં આવ્યો, જેના કારણે પણ ભાજપને મોટું નુકસાન થયું છે. આ મુદ્દો જેણે ઉછાળ્યો, તેને જ નુકસાન કર્યું છે. આ ઇતિહાસ તો નિલભાઈ સાથે જોડાયેલી બાબત હતી, જેના પર કાદવ ઉછળતો હતો તે બચાવવા માટે જ તેમણે ડુમખલના પોપટનો નવો ઇતિહાસ રચી કાઢ્યો.’

