(જી.એન.એસ) તા. ૨૭
મુંબઈ,

કોઈ પણ રમત ખેલાડી કરતા મોટી હોય છે પરંતુ ઘણી વખત ખેલાડીનાં રમત પ્રત્યેનાં સમર્પણને કારણે ખેલાડીનું કદ રમત કરતાં પણ મોટું થઇ જતું જોવા મળે છે. આવા ખેલાડીઓને સન્માન મળે અને યુવા ખેલાડીઓને યોગ્ય આદર્શ મળે તે પ્રકારનાં કાર્યક્રમો મુંબઈ સ્થિત ઘી લીજેન્ડસ ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે. તાજેતરમાં જ ઘી લીજેન્ડસ ક્લબ દ્વારા અભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનાં 53માં જન્મદિવસની ઉજવણી એક સંવાદ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી. મુંબઈનાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાનાં સી.કે.નાયડુ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઘી લીજેન્ડસ ક્લબનાં પ્રમુખ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર યજુર્વેન્દ્રસિંઘ, ભારતીય ક્રિકેટર હરભજનસિંઘ, મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ અંજિક્ય નાઈક, ભૂતપૂર્વ ક્રિકેટર માધવ આપ્ટેનાં સુપુત્ર અને મુંબઈ યુનિવર્સીટીનાં ભૂતપૂર્વ ક્રિકેટર વામન આપ્ટે સહિત ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ જી વિશ્વનાથ સાથે ભારતનાં વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ક્રિકેટ અને ક્રિકેટરનાં ભવિષ્ય અંગે વિવિધ દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ક્રિકેટનાં અલગ અલગ ફોર્મેટ, બોલિંગ સ્કિલ્સ અને માનસિક દબાણ સહન કરવાની શક્તિનાં વિકાસ અંગેની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. સંવાદનાં કેન્દ્ર સ્થાને રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંઘે જણાવ્યું કે ક્રિકેટ સામે સૌથી મોટો પડકાર તેનું નાનું થતું સ્વરૂપ છે. એક સમયે પાંચ દિવસ રમાતી ટેસ્ટ ક્રિકેટથી ઘટીને આજે અમુક દેશોમાં 10 ઓવર સુધીનું ફોર્મેટ રમાઈ રહ્યું છે જે યુવાનોને એક પૂર્ણ ક્રિકેટર બનવામાં સૌથી મોટો અવરોધ છે કારણ કે, ટેસ્ટ ક્રિકેટર T 20 રમી શકે છે પરંતુ T 20નો ક્રિકેટર ટેસ્ટ રમી શકતો નથી. તેમણે આંગળીઓનાં જોર પર બની રહેલા ઑફ સ્પિનરોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ પીચ પર જો સ્પિનરનો બોલ સ્પિન ન થાય તો તે નકામું છે. સ્પિનરોએ મેદાન પર પોતાની ધુલાઈ થવાનો ડર કાઢી સ્પિન અને બાઉન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, અંતે તો તેઓ વિકેટ લેવા માટે જ મેદાન પર છે. આ સમજાવવા માટે તેમણે ભૂતપૂર્વ ક્રિકેટર બિશનસિંઘનું ઉદાહરણ આપ્યું હતું.
તેમણે યુવા ખેલાડીઓને સલાહ આપી હતી કે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ દિવસ સુધી દબાણ સહન કરવાની શક્તિ વિકાસ પામે છે જે ક્રિકેટનાં દરેક ફોર્મેટ માટે તમને તૈયાર કરે છે માટે કારકિર્દીમાં શોર્ટકટ શોધવાનું બંધ કરી આવડત વિકસાવવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
આજે માં બાપ પણ જયારે પોતાના દીકરાને કોચ પાસે લઇ જાય છે ત્યારે તેમનો પહેલો પ્રશ્ન એ હોય છે કે, મારો દીકરો IPL માં રમશે? આમ ક્રિકેટને હવે આવક અને પ્રસિદ્ધિ પૂરતી સીમિત કરવાની માનસિકતાથી ક્રિકેટને જોખમ છે. વિદેશોમાં આજે પણ ટેસ્ટ ક્રિકેટનો દબદબો યથાવત છે અને ટેસ્ટ ક્રિકેટ જ સારા ક્રિકેટરો આપી શકશે માટે જ હું કહું છું કે ટેસ્ટ ક્રિકેટ એ જ બેસ્ટ ક્રિકેટ.
હરભજન પોતાના સંતાનોને મુંબઈથી ક્રિકેટ રમાડશે કે પંજાબથી તેવા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, મારા બાળકોને ઈચ્છા હશે તો જ હું તેમને ક્રિકેટર બનાવીશ. તેઓ જન્મથી જ મુંબઈમાં રહે છે તો તેઓ મુંબઈ તરફથી જ રમશે. અમારા સંતાનો ક્રિકેટ ન રમેં તો પણ અત્યારે વૈભવ સૂર્યવંશી જેવા દીકરાઓ રમી રહ્યા છે તે અમારા બાળકો જેવા જ છે માટે મારા સંતાનો ક્રિકેટ જ રમશે તે જરૂરી નથી.
તેમણે સચિન તેંડુલકર સાથેનાં તેમના રમુજી કિસ્સાઓ યાદ કરતાં જણાવ્યું હતું કે, " તેમનું પ્રદર્શન આકાશને આંબે છે અને છતાં તેમના પગ જમીન પર છે " આ વાત દરેકે જીવનમાં ઉતારવા જેવી છે. તેઓ સામાન્ય માણસની જેમ મજાક કરે છે અને સહન પણ કરે છે તે સચિનનાં વ્યક્તિત્વને અલગ દર્શાવે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, અમે નસીબદાર છીએ કે અમને સચિન સાથે રમવા મળ્યું.
ક્રિકેટનાં મેનેજમેન્ટ અંગે વાત કરતા અંજિક્ય નાઈકે જણાવ્યું હતું કે, અમે શરદ પાવર અને પ્રોફેસર સાહેબનાં રસ્તા પર ચાલીયે છીએ. અમારા નિર્ણયો ક્રિકેટ અને ક્રિકેટરને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે, અમે BCCIની જેમ ક્રિકેટરોનાં સારા આર્થિક ભવિષ્ય માટે કોન્ટ્રાકટની વ્યવસ્થા ઉભી કરી છે સાથે સિનિયર ખેલાડીઓને આવક મળે અને યુવાનોને માર્ગદર્શન મળે તે માટે નોલેજ સેન્ટર ઉભું કર્યું છે. આ સિવાય મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સો કરોડ રૂપિયાની સબસીડી યોજના પણ લાવ્યા છીએ. જેઓ ભારત માટે નથી રમી શક્યા છતાં મહાન ક્રિકેટર હતા તેઓ માટે નવા બનાવેલા મ્યુઝિયમમાં જગ્યા ફાળવવામાં આવી છે. સૌથી અગત્યનું અમે મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં કર્મચારીઓ માટે આરોગ્ય વીમા અને પેંશનની વ્યસ્થા અમલમાં મૂકી છે.
કાર્યક્રમનાં અંતે કેક કાપીને ઉપસ્થિત સૌ કોઈએ પરિવાર સાથે જન્મદિવસ ઉજવવાની પ્રથાને લીધે અનુપસ્થિત સચિન તેંડુલકરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આવેલ ધ લિજેન્ડ્સ ક્લબ BCCI અને CCIનાં ભૂતપૂર્વ પ્રમુખ રાજસિંઘ ડુંગરપુર દ્વારા બનાવવામાં આવેલ એક પ્રતિષ્ઠિત ક્રિકેટ-કેન્દ્રિત સંગઠન છે જે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) ખાતે ક્રિકેટ માટે જીવન સમર્પિત કરનારા ક્રિકેટરોને લઈને નિષ્ણાતોને આમંત્રિત કરી ચર્ચાઓ, વ્યાખ્યાનો અને જન્મદિવસની ઉજવણીનું વારંવાર આયોજન કરે છે. આ સંગઠન દરવર્ષે વિજય મર્ચન્ટ, વિજય માંજરેકર, વિજય હઝારે, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર અને બેટમિન્ટન લીજેન્ડ નંદુ નાટેકરનાં જન્મદિવસની ઉજવણી દરમિયાન મહાન ક્રિકેટરોનું સન્માન કરે છે અને તેમની રમતનાં ઇતિહાસ વિશે અવિસ્મરણીય વાર્તાલાપનું આયોજન કરે છે.
સચિનનું પ્રદર્શન આકાશને આંબે છે અને છતાં તેમના પગ જમીન પર છે : હરભજનસિંઘ

