(G.N.S) Dt. 3
કુરુક્ષેત્ર (હરિયાણા),
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સતત પ્રેરિત કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે 180 એકર જમીનમાં થઈ રહેલા પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગોના નિદર્શન માટે ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારા, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા સહિતનું પ્રતિનિધિ મંડળ ગુરુકુળ કુરુક્ષેત્ર પહોંચ્યું હતું.
આ પ્રતિનિધિ મંડળે ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મ ઉપરાંત ગૌશાળા, બાયોગેસ પ્લાન્ટ, જીવામૃત અને નિમાસ્ત્ર પ્લાન્ટ, ઋષિ-આધારિત અર્શ વિદ્યાલય તેમજ નેચરોપેથી સેન્ટર સહિતના વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક તથા વ્યવહારુ પાસાઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન સાથે દેશભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના આશરે 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મ પર છેલ્લા 10 વર્ષોથી દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે, જેના પરિણામે અહીંની જમીન હવે “ઓર્ગેનિક કાર્બન રિચ” શ્રેણીમાં આવી ગઈ છે. આ જમીન એટલી ઉપજાઉ બની ગઈ છે કે અહીં ઘઉં, ચોખા અને અન્ય પાકોનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતાં પણ વધારે થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર આજની જરૂરિયાત નથી, પરંતુ પર્યાવરણ અને ધરતીને બચાવવાનો એકમાત્ર માર્ગ છે અને દેશના ખેડૂતોએ આ સત્યને સમજીને મોટા પ્રમાણમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાની શરૂઆત કરી છે.
આ મુલાકત દરમિયાન કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુરુકુળના પ્રાકૃતિક કૃષિ ફાર્મ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી પ્રાકૃતિક ખેતી કોઈ અજાયબીથી ઓછી નથી. હરિયાણાની જમીનમાં જ્યાં સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટ, ખજૂર, સફરજન અને ચણાની ખેતી થતી નથી, ત્યાં ગુરુકુળના ફાર્મ પર પ્રાકૃતિક કૃષિ દ્વારા આ પાકો ખુબ સારી રીતે થઈ રહ્યા છે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ફાર્મ પર ઉગાડવામાં આવેલી કોબી, વટાણા અને ગાજર જેવી પાકોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ તાજા વટાણા અને કોબી તોડી તેના શુદ્ધ પ્રાકૃતિક સ્વાદનો આનંદ માણ્યો હતો. ગુરુકુળમાં અંદાજે 15 ફૂટ ઊંચી શેરડી જોઈ મંત્રીશ્રીએ વિશેષ પ્રશંસા કરી હતી. સાથે જ લીલીછમ શાકભાજી તેમજ ઘઉં અને ચણાના સહપાક પદ્ધતિના મોડેલ પણ નિહાળ્યા હતા.

