Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું: સોમવારથી EVM...

અમદાવાદ જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું: સોમવારથી EVM અને વીવીપેટની ફાળવણી કરાશે

62
0

અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકો માટે EVM અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થયું.

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર 6814 BU, 6814 CU અને 7357 VVPAT ઈ.વી.એમ.નું રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન કરાયું.

(જી.એન.એસ),તા.૦૬

અમદાવાદ,

ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે આગામી તા. 7 મે-2024 ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. આગામી સોમવારે સવારે-9.00 વાગ્યાથી મોટેરા ખાતે આવેલ વેર હાઉસ ખાતેથી વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે EVM અને વીવીપેટની ફાળવણી શરૂ કરાશે અને આ પ્રક્રિયા આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે.

         અમદાવાદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર 6814 BU, 6814 CU અને 7357 VVPAT ઈ.વી.એમ.(ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પારદર્શક પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકો માટે ઈ.વી.એમ. અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝડ EVMની યાદી માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે. રેન્ડમાઈઝેશન કરાયેલા EVM તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVMનો વિધાનસભા મતવિભાગના સ્ટ્રોંગરૂમમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

          ચૂંટણી તંત્ર દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો- વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટી.વી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઊભા કરવામાં આવ્યા છે.

           અત્રે ઉલ્લેખનીય  છે કે, ઈ.વી.એમ.માં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચ દ્વારા નિયત ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 5458 મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ- કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ સોમવારથી જિલ્લાના સંબધિત એ.આર.ઓ.ને ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈ.વી.એમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે, તે નિર્ધારિત કરાશે.

          આ પ્રસંગે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગાંધીનગર લોકસભામાં પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ શ્રી પંડિત દીનદયાળ જીની પ્રતિમાને કુડાસણ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી
Next articleNHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને AMC મેટ નર્સિંગ કોલેજના ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ