રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૯૫.૨૨ સામે ૭૩૧૬૨.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૨૨૨.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૦૦.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯૦.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૩૦૪.૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૦૩.૦૫ સામે ૨૨૧૯૬.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૮.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૮૯૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની સરુઆત સાવચેતી સાથે થઇ હતી. વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે રેડ સી – રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલાને લઈ અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહી અને ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં સાથે સ્થાનિક સ્તરે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘણાં શેરો ઓવરવેલ્યુઅડ બની ગયા હોઈ આ તબક્કે રહેલા જોખમની સાથેસાથે મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ સ્મોલ, મિડ કેપ ફંડોના એસેટ મેનેજરોને તેમના રોકાણકારોને સ્મોલ, મિડ કેપ ફંડો સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ માહિતી આપવા તાકીદ કરતાં અને આગામી સમયમાં આ જોખમને લઈ પ્રોફિટ બુકિંગ કરતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ભારતીય શેરબજારમાં ફંડોએ ફન્ટલાઈન, ઈન્ડેક્સ હેવીવેઈટ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ કોર્પ. સાથે ઓટો જાયન્ટ મારુતિ સુઝુકી, મહિન્દ્રા & મહિન્દ્રા તેમજ લાર્સેન લિ., કોટક બેન્ક અને એશીયન પેઈન્ટસ સહિતના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, કોમોડિટીઝ અને મેટલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૬૩ અને વધનારની સંખ્યા ૮૮૧ રહી હતી, ૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવર ૦.૭૮%, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ૦.૩૩%, ઈન્ફોસિસ ૦.૩૨% અને ભારતી એરટેલ ૦.૧૨% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૪.૪૩%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૯૪%, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૯૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૬૮% અને વિપ્રો ૨.૬૮% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૦૪ લાખ કરોડ ઘટીને ૩૮૫.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૪ કંપનીઓ વધી અને ૨૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીના દોર બાદ હવે કોન્સોલિડેશન થતું જોવાઈ રહ્યું છે. શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ગત સપ્તાહમાં આરંભિક તેજી બાદ અંતે જૈસે થેની સ્થિતિમાં ઉછાળો ધોવાતો જોવાયો છે. દરેક ઉછાળે સાવચેતી જોવાઈ રહી છે. આ સાથે ઘણા સ્મોલ, મિડ કેપશેરોના ભાવો અનેક ગણા વધી ગયા હોઈ ઉછાળે નફારૂપી વેચવાલી સાથે નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. ૭૦% શેરો ઓવરવેલ્યુડ હોવાથી હવે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોની સંખ્યા મર્યાદિત બનતાં નવી ખરીદીમાં પસંદગીનો અવકાશ સીમિત બન્યો છે.
વૈશ્વિક મોરચે આર્થિક આફત ચાઈનાનો પીછો છોડતું નથી, ડિફલેશનની વિકટ પરિસ્થિતિ સાથે પ્રોપર્ટી માર્કેટની તકલીફ વિશ્વને દઝાડવા લાગી છે, ઉપરાંત જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે. ઈઝરાયેલ – હમાસ યુદ્વ અને અમેરિકાની ઈરાકમાં આતંકીઓ સામે કાર્યવાહીએ પરિસ્થિતિ સ્ફોટક હોવાથી ટેન્શન વધવાના સંજોગોમાં વૈશ્વિક બજારો ડામાડોળ થઈ શકે છે. હવે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની ચાલ પર નજર સાથે જીઓપોલિટીકલ પરિબળો પણ બજારોને પ્રભાવિત કરી બજારના સેન્ટીમેન્ટને ડહોળી શકે છે. જેથી શેરોમાં ઊંચા મથાળે નવી ખરીદીમાં સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.