Home ગુજરાત ગાંધીનગર ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડલ જ નહી, વિકાસ એન્જિન પુરવાર થઇ રહ્યું...

ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડલ જ નહી, વિકાસ એન્જિન પુરવાર થઇ રહ્યું છે : શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા

32
0

(G.N.S) Dt. 8

ગાંધીનગર,

અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય ભારતના વિકાસનું રોલ મોડલ જ નહી, વિકાસ એન્જિન પુરવાર થઇ રહ્યું છે..

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની પ્રણાલીકાઓને પરિણામે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ‘ટીમ ગુજરાત’ દ્વારા તમામ ક્ષેત્રો અને તમામ
સમુદાયોને માનવીય અભિગમથી સહાયરૂપ થવાનો બેનમૂન પ્રયાસ.


શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું છે કે, ગુજરાત આજે ભારતનું વિકાસનું રોલમોડલ જ નહીં, પરંતુ વિકાસ એન્જિન પુરવાર થઇ રહ્યું છે જે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસયાત્રાની પ્રણાલીકાઓને પરિણામે શક્ય બન્યુ છે અને આજે ગુજરાતે વિકાસ ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી છે.


ગુરૂવારે વિધાનસભા ખાતે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે સહભાગી થતા મંત્રી શ્રી પાનશેરિયાએ જણાવ્યું છે કે, ભૂતકાળમાં ૧૯૯૫થી ૨૦૦૧ની સરકારોમાં જે પણ ખાડા હતા તે તમામ ખાડા ભાજપા સરકારે ૨૦૦૧ થી ૨૦૨૩ દરમિયાન પૂર્યા છે અને સમયબદ્ધ આયોજન કરીને માનવીય અભિગમ થકી પ્રયાસો કર્યા છે, જેના પરિણામો આજે ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતનું બજેટ રૂા.૨૯,૭૨૪ કરોડ હતું જે આજે રૂા. ૩,૩૨,૪૬૫ કરોડ સુધી પહોંચ્યું છે.


મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમારી સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ છે. મુખ્યમંત્રી શ્રી પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે તમામ ક્ષેત્રો અને તમામ સમુદાયોને માનવીય અભિગમ થકી સહાયરૂપ થવાનો બેનમૂન પ્રયાસ કર્યો છે જેના પરિણામે જ રાજ્યની પ્રજાના આશિર્વાદ છેલ્લા બે દાયકાથી અમારા પર છે.


તેમણે કહ્યું કે, ચાલુ વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય, શિક્ષણ અને પોષણ સહિત આદિજાતિ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આરોગ્યક્ષેત્રે રૂા.૨૦ હજાર કરોડથી વધુ રકમ ફાળવી છે. જેમાં આ વર્ષે કામરેજ અને બાવળા ખાતે ૩૦૦ બેડની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે.


તેમણે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૦૨માં રાજ્યમાં ૬ મેડિકલ કોલેજો હતી અને ૧૧૦૦ બેઠકો તબીબી શિક્ષણ માટે હતી. આજે ૨૨ વર્ષમાં ૩૦ મેડિકલ કોલેજો કાર્યરત છે અને ૭,૫૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. એટલુ જ નહીં, આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા સંપૂર્ણ માનવતાલક્ષી અભિગમ થકી સેવા આપવામાં આવે છે. ગરીબ બાળકો બોલી શકે એ માટે ૩૫૦ લેકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. કીડનીના દર્દીઓને ડાયાલીસીસ સુવીધા માટે ૧૭૨ ડાયાલીસીસ સેન્ટરો કાર્યરત છે અને દર મહિને ૫૫,૦૦૦ દર્દીઓને ડાયાલીસીસની સારવાર આપવામાં આવી છે.

સાથેસાથે માનવીનું જીવન બચાવવા માટે ઓર્ગન ડોનેશન માટે જનજાગૃતિનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૪૨૦ થી વધુ ઓર્ગન ડોનેશન થયુ છે. કીડની, લીવર જેવા ૧૨૮૭ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.


મંત્રીશ્રીએ ઉમેર્યુ કે બાંધકામ શ્રમિકોને સહાયરૂપ થવા માટે તેમને પૌષ્ટિક ભોજન પુરુ પાડવા ૨,૬૫૯ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત છે જેમાં માત્ર રૂા.૫ના રાહતદરે ભોજન આપવામાં આવે છે. આગામી સમયમાં નવા ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે. આ વર્ષે બજેટમાં રૂા.૧૩૧ કરોડની જોગવાઇ કરી છે.


મંત્રીશ્રી પાનશેરિયાએ ઉમેર્યુ કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ વર્ષે રૂા.૫૫,૧૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ધો. ૧ થી ૮માં ડ્રોપ આઉટ રેશિયો ૩૮.૯૨ ટકા હતો એ આજે રાજ્ય સરકારની હકારાત્મક નીતિને પરિણામે ઘટીને ૨.૬૮ ટકા થયો છે. તે જ રીતે ધો. ૧ થી ૫ માં ડ્રોપ આઉટ રેશિયો ૨૦.૫ ટકા હતો તે ઘટીને ૧.૨૭ ટકા થયો છે જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શક્ય બન્યુ છે. વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધીમાં ૧,૬૦,૩૯૫ શાળાઓમાં નવા ઓરડાઓનું નિર્માણ કરાયું છે. ૬૫,૪૩૭ સ્માર્ટ ક્લાસ કાર્યરત કર્યા છે. પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર ઓરડાઓનું નિર્માણ કરી દીધુ છે અને અન્ય ૧૫ હજાર નવા ઓરડાના નિર્માણના કાર્યો પ્રગતિ હેઠળ છે.


તેમણે કહ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સુવિધા અને ગુણવત્તાને લીધે વર્ષ ૨૦૨૩-૨૪માં ખાનગી શાળામાંથી ૫૮,૨૬૦ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. એજ રીતે ખાનગી ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં ૧,૬૧,૦૬૯ બાળકોએ તેમજ ટ્રાયબલ વિસ્તારમાં ૨,૭૮૫ બાળકોએ પ્રવેશ લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.


મંત્રીશ્રી પાનશેરિયાએ કહ્યું હતું કે, કન્યાઓને શિક્ષણ આપવા અમારી સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આગામી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા નવીન ‘નમો લક્ષ્મી યોજના’ જાહેર કરી છે. જેમાં પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક રૂા. ૧૦ હજાર તેમજ ધો.૧૧-૧૨ માટે વાર્ષિક રૂા. ૧૫ હજારની સહાય આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી યોજના’ જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચિલ્ડ્રન અને યોગનું શિક્ષણ આપતી વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓ પણ કાર્યરત છે. GIFT સીટીમાં પણ ઓસ્ટ્રેલિયા સહિતના દેશો પોતાના શૈક્ષણિક કેમ્પસ ચાલુ કરી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે ખેડૂતોના હિતમાં ઊર્જા વિભાગે નવા ખેતીના વીજ જોડાણ માટે અને વાયરોના મરામતના હેતુથી રૂા.૧૩૦ કરોડની બજેટમાં જોગવાઇ કરાઇ છે. નવા કૃષિ જોડાણમાં અંદાજે રૂા.૧.૭૩લાખના ખર્ચ સામે રૂ.૫,૦૦૦ જેટલી નજીવી રકમ ખેડૂત પાસેથી લેવામાં આવે છે. આ સિવાય આત્મનિર્ભર ભારત હેઠળ હવે ગુજરાતમાં ફાયટર પ્લેન અને યુદ્ધની ટેન્ક પણ બની રહી છે. પ્રધાનમંત્રીશ્રીના ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંદાજે ૭૨ લાખ પરિવારને વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે. શહેરોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી આ બજેટમાં સાત શહેરોને મહાનગર પાલિકાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. સુરત અને અમદાવાદમાં નાગરિકોને સુવિધા માટે મેટ્રો ટ્રેન કાર્યરત છે. જ્યારે આગામી સમયમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટટ્રેન પણ શરૂ કરવામાં આવનાર છે.


મંત્રીશ્રીએ કહ્યું હતું કે અત્યારે જેમ ફેમિલી ડોક્ટરની વ્યવસ્થા છે તેમ આગામી સમયમાં સ્વાસ્થ્યના
ભાગરૂપે ‘ ફેમિલી ફાર્મર’ પણ હશે જેની પાસેથી નાગરિકો શુદ્ધ કૃષિ પેદાશ ખરીદતા હશે.આ માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ માટે વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે આપણા માટે ગૌરવ સમાન છે.


મંત્રીશ્રીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, સૌની યોજના થકી આજે સૌરાષ્ટ્રના હજારો તળાવો નર્મદાના પાણીથી ભરાયા છે. આ યોજના અંગે વિપક્ષના લોકો કટાક્ષ કરતા હતા કે આ પાઇપલાઇનમાં પાણી નહીં પણ હવા જશે પણ અમારી સરકારે પાણી આપવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બીપરજોય વાવાઝોડામાં વહીવટી તંત્ર અને નાગરિકોના સહયોગથી યોગ્ય આયોજન દ્વારા ઝીરો કેઝ્યુલિટીનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સમયે રાજ્યમંત્રી મંડળના તેમજ ધારાસભ્યો પ્રજાની સાથે બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા તે અમારી સરકારની ગુજરાતની પ્રજાહિતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સિવાય ગુજરાતમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર સુરત, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નમો સ્ટેડિયમ, સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા, પ્રવાસન માટે શ્રેષ્ઠ એવું ધોરડો- વૈશ્વિક કક્ષાનું સાંસ્કૃતિક ગામ જેવી અનેક વિશેષતાઓ આવેલી છે તેમ, પણ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાત ખાતે રાજયપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
Next articleગાઝા પટ્ટીના રાફામાં ઈઝરાયેલએ એર સ્ટ્રાઈક કરી, 13 લોકોના મોત