(જી.એન.એસ.,ધીમંત પુરોહિત) તા.20
સર્વોચ્ચ ગુસ્સાથી લાલચોળ થઇ છે. શરીરમાંથી નીકળી શકે એટલી બધી જ જગ્યાએથી ધુમાડા નીકળે છે. એમને આટલા ગુસ્સામાં આ પહેલા કોઈએ જોયા નથી. આજે એમની હડફેટે જે ચઢ્યો કે ચઢી એની ખો નીકળી જવાની. જો કે એમનો ગુસ્સ્સો વ્યાજબી છે. એમના ગુસ્સાના મૂળમાં ગુજરાતથી આવેલી એક ખબર છે.
ગુજરાતમાં એક છાપામાં એ ખબર તસ્વીર સાથે છપાઈ ગઈ કે રાજ્યના મુખ્ય સચિવની ઓફિસમાં રોબોટ પટાવાળો છે. જે માણસ પટાવાળાની જેમ જ મહેમાનોને ચા પાણી આપે છે. કદાચ વધારે સારી રીતે. આમ તો માની ના શકાય પણ ન્યુઝ ફોટા સાથે આવ્યા છે. વાત બહાર પડી ગયા પછી મુખ્ય સચિવે કુશળતાથી વાતને એમ કહીને વાળવાનો પ્રયત્ન કર્યો કે, આ તો આવતા વાયબ્રન્ટમાં ડેમો માટે રોબોટ લાવેલા એનું ટેસ્ટિંગ ચાલે છે.
સર્વોચ્ચનાં ગુસ્સાનું કારણ આ જ છે.૨૦૧૯ના એમના સૌથી મોટા સિક્રેટ પ્લાનની ગુપ્તતા ગુજરાતવાળા જાળવી ના શક્યા. સર્વોચ્ચની મૂળ યોજના બે ભાગમાં વહેચાયેલી છે. પટાવાળાનો ટ્રાયલ રન સફળ થાય તો સર્વોચ્ચનું આયોજન સૌપ્રથમ રોબોટ સીએમ બનાવવાનું છે. આમે ય સીએમને શું કરવાનું અને શું નહિ કરવાનું એ બધે બધું એ ટુ ઝેડ શીખવાડવું પડતું હોય છે, નાની નાની વાતોમાં દિલ્હીથી સૂચનાઓ આપવી પડતી હોય છે અને તોય છેલ્લે તો લોચા જ હોય છે. આના કરતા રોબોટ શું ખોટા? એનામાં ધારીએ એ પ્રોગ્રામ ફીડ કરી શકાય. ઈંટરનેટનાં આ જમાનામાં લાઈવ સૂચનાઓ પણ આપી શકાય. રોબોટમાં મોટામાં મોટી શાંતિ એ કે એને પ્રોગ્રામ કર્યો હોય કે સુચના આપી હોય, એ પ્રમાણે જ કામ કરે. બીજા ફાયદાઓ પણ ખરા જ. નાત-જાતના કોઈ બંધન નહિ. વણીકને સીએમ બનાવો તો પટેલ નારાજ થાય અને પટેલને બનાવો તો બાપુઓ નારાજ. રોબોટમાં આવી કોઈ જફા જ નહી અને એના કરતા પણ મોટી વાત, રોબોટને કોઈ રાજકીય મહત્વકાંક્ષાઓ ના હોય એટલે ભવિષ્યમાં એનાથી કોઈ જોખમ જ નહિ. હા, એને રોજે રોજ ચાર્જ કરવાની જફા ખરી, પણ એમાં તો માણસોને પણ ક્યા ચાર્જ નથી કરવા પડતા. જો કે આ પણ એક પ્રકારે ટ્રાયલ રન જ છે. સર્વોચ્ચની મૂળ યોજના જાણશો તો એમના માટેનું માન અનેક ઘણું વધી જશે.
આ વાત સર્વોચ્ચનાં મનમાં રજનીકાંતની ફિલમ રોબોટ જોઈ ત્યારની રમતીતી. સર્વોચ્ચ આમ તો ફરવાના શોખીન છે – દેશમાં અને પરદેશમાં પણ. પણ ઈલેક્શનમાં ભારત જેવા વિશાલ દેશમાં સમય અને સ્થળની મર્યાદા નડતી હોય છે. ૨૦૧૯મા સર્વોચ્ચ પાસે એક ગેમ ચેન્જર પ્લાન છે, જે એમના સિવાય બધાને ધૂળ ચાટતા કરી દેશે. પ્લાન કૈક આવો છે – સર્વોચ્ચ જેવા જ હુબહુ 543 રોબોટ તૈયાર કરવા. એ બધ્ધા દેખાવમાં તો સર્વોચ્ચ જેવા હોય જ – જેનો ટ્રાયલ રન 2014માં સર્વોચ્ચનાં માસ્ક મહોરાથી સફળતાપૂર્વક થઇ ચુક્યો છે અને એના પરિણામો આપણે જોયા છે થમ્પીંગ મેજોરિટી રૂપે – આ એના કરતા કઈ કેટલાય ઘણા આગળની વાત છે. એ બધ્ધા 543 રોબોટ 543 લોકસભા બેઠકોની જાહેર સભાઓમાં એક સાથે એક જ સમયે સર્વોચ્ચની જેમ જ છટાદાર ભાષણ કરીને છવાઈ જશે. લોકો મોંઘવારી, નોટબંધી, જીએસટી, રાફેલ, સીબીઆઇ, આરબીઆઈ, રાહુલ ગાંધી, બધું જ ભૂલી જશે. અરે તાળીઓ પણ પાડવાનું ભૂલી જશે અને બસ મ્હો વકાસીને સર્વોચ્ચનાં રોબોટને જોયે રાખશે. કાર્પેટ બોમ્બીન્ગ હવે જૂની વાત થઇ ગઈ. આ તો રોબોટ બોમ્બીન્ગ. ટીવી ચેનલવાલા એમની સ્ક્રીન પર 543 વિન્ડો બનાવશે અને બધે બધી 543માં સર્વોચ્ચનાં દર્શન થશે એટલે કે સર્વોચ્ચનાં રોબોટનાં. સર્વોચ્ચ તો પોતાના બંગલે બેઠા બેઠા તમારી મારી જેમ જ ટીવી પર સર્વોચ્ચ દર્શનનો આનંદ લેતા હશે. બહુ વરસ ચૂટણીઓમાં દોડી દોડીને લોહી પાણી એક કર્યા.અબ કુછ જી લેતે હૈ. આ બધું જો સફળ થયું તો – સફળ થશે જ ને, આ અપાર સંભાવનાઓના દેશમાં કઈ જ અશક્ય નથી અને સર્વોચ્ચનાં શબ્દકોશમાં અશક્ય નામનો શબ્દ જ નથી – એ કોણ બોલ્યું કે મુળે આ નેપોલિયનના શબ્દકોશની વાત હતી? નહેરુ જેકેટ મોદી જેકેટ થઇ ગયું કે નહી? – હા જો આ બધું સફળ થયું, તો 2019નાં નવા મંત્રીમંડળમાં રોબોટ મંત્રીઓ વિષે પણ વિચારી શકાય.
સર્વોચ્ચ માટે રાહતની વાત એ છે કે, લોકોને આ વાતનો અણસાર સુધ્ધ નથી. લોકો તો હજી એ જ ચિંતામાં છે, કે જો પટાવાળાની પોસ્ટ પણ રોબોટ લઇ જશે તો, ભારત જેવા બેકારોથી ઉભરાતા દેશમાં નોકરીઓનું થશે શું? આનું નામ તો ભારત.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.