Home ગુજરાત જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટ સહિત રૂ.૪૩૮ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટ સહિત રૂ.૪૩૮ કરોડના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

30
0

(G.N.S) Dt. 28

જુનાગઢ

નાગરિકોની સુખાકારી વધારવા સાથે જૂનાગઢને લિવેબલ અને લવેબલ બનાવવાની નેમ વ્યક્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યો કરવા અને પ્રવાસન સ્થળો વિકસાવવા વધુ રકમ ફાળવવા સરકાર તૈયાર

પહેલી તારીખે એક સાથે, એક સમયે, એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાનમાં જોડાવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન


જુનાગઢ, તા. ૨૮ સપ્ટેમ્બર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટના કિલ્લા સહિત કુલ મળીને રૂ. ૪૩૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે નાગરિકોની સુખાકારી વધારવા સાથે જૂનાગઢને લિવેબલ અને લવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ સાથે જુનાગઢમાં હજુ વધુ વિકાસકાર્યો કરવા તેમજ સુવિધાયુકત વિવિધ પ્રવાસન સ્થળો વિકસાવવા વધુ રકમ ફાળવવાની તૈયારી દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે જુનાગઢ જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના લાભો નાનામાં નાના અને છેવાડાના માણસોને મળે તેની હંમેશા ચિંતા કરી છે. તેના પગલે ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વિકાસના કામો સારામાં સારી રીતે અને ગુણવત્તાયુક્ત થાય તેના માટે સતત પ્રયત્નશીલ છે.
જુનાગઢમાં આવેલી પૂર હોનારતનો સરકારી તંત્ર અને જુનાગઢ મહાનગરપાલિકાએ સાથે મળીને સામનો કર્યો હતો, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવી સ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય તે માટે અવરોધરૂપ બાબતો દૂર કરવામાં આવશે. આ માટે તેઓએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું પણ જણાવ્યું હતું.
જુનાગઢ મહાનગરમાં ચાલતા રોડના કામો સત્વરે પૂરા કરવા અંગે પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, જૂનાગઢમાં અંડરગ્રાઉન્ડના વિકાસ કામો પૂર્ણ થઈ ગયા પછી, જમીન ઉપરના વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર વધુ રકમ ફાળવશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોનો ટુરિઝમ સર્કિટ તરીકે વિકાસ કરાઈ રહ્યો છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, જૂનાગઢ એક પ્રવાસન સ્થળ છે ત્યારે આ ક્ષેત્ર માટે જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા સરકાર તત્પર છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવતી પહેલી તારીખે, બધા એક થઈને, એક સમયે, એક કલાક શ્રમદાન કરશે. સૌ નાગરિકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં એક કલાક શ્રમદાનમાં જોડાવા અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા એ કોઈ અભિયાન પૂરતી નહિ પણ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ સૌની જવાબદારી છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સંસદમાં પસાર થયેલા નારીશકિત વંદન બિલના સંદર્ભમાં કહયું હતું કે, હવે મહિલાઓની દેશના વિકાસમાં ભાગીદારી વધશે અને મહિલા સશિકતકરણને વેગ મળશે.

જ્યારે રાજ્યના કૃષિ, પશુપાલન અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લા માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, સંત અને સુરાની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં રૂ.૪૩૮ કરોડનાં વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ થકી જુનાગઢ જિલ્લાના લોકોની સુવિધામાં વધારો થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસના સૂત્રને સાર્થક કરતા, રાજ્યના ગામડાઓ આજે સુવિધાયુક્ત બન્યા છે. પ્રાથમિક સુવિધા લોકોને સરળતાથી મળી રહી છે.
કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટરશ્રી પી. જી. પટેલ આભારવિધિ કરી હતી.

સમારોહ પૂર્વે ગરવા ગિરનાર સ્થિત મા અંબાના દર્શન કર્યા બાદ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે પહોંચેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબી તપાસ માટે કાર્યરત થનાર હેલ્થ એ.ટી.એમ.નું લોકાર્પણ કરવાની સાથે ઘન કચરાના એકત્રીકરણ માટે પ્રદૂષણ રહિત ૬૦ જેટલી ઈ-રીક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી લોકાર્પિત કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢનાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, પૂર્વ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા સંગઠન પ્રભારીશ્રી દિલીપભાઈ પટેલ, પ્રવાસન વિભાગના સચિવશ્રી હારિત શુક્લા, પ્રવાસન વિભાગના કમિશનરશ્રી સૌરભ પારઘી, કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજેશ તન્ના, સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી
Next articleદૈનિક રાશિફળ (તા.૩૦-૦૯-૨૦૨૩)