ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. રાત સુધી ભાજપના કાર્યાલયો પર ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભુષણ ભટ્ટના રાયપુર ચકલા ખાતેના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા. રાયપુર ચકલા ખાતે મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે બેસીને રાયપુરના પ્રખ્યાત ભજીયાનો સ્વાદ માણ્યો હતો. જ્યારે નજીકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ સાથે બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટની પણ તેઓએ મુલાકાત લીધી હતી અને ત્યાં બેસીને ફોટો પણ પડાવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારો પોતાનો દમ લગાવી રહ્યા છે. ત્યારે નેતાઓ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે થઈ અને તેમની મુલાકાત લઇ માર્ગદર્શન આપી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે ગઈકાલે શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. કોટ વિસ્તારમાં આવતા દરિયાપુર અને જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કૌશિક જૈન અને ભૂષણ ભટ્ટના મધ્યસ્થ કાર્યાલય પર તેઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અને પૂર્વ ગૃહરાજ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ ને ચૂંટણીને જીતવા માટે થઈ અને માર્ગદર્શન આપ્યું હતું.
જમાલપુર ખાતે ભૂષણ ભટ્ટના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે તેઓએ કાર્યકર્તાઓ સાથે બેસીને રાયપુરના પ્રખ્યાત ભજીયા ખાધા હતા. ખાડિયાના રાયપુર ચકલા ત્રણ રસ્તા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ સાથેનો સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી બનાવવામાં આવેલા આ સ્ટેચ્યુ પોઇન્ટ પર પણ મુખ્યમંત્રી ગયા હતા અને તેઓએ ફોટા પડાવ્યા હતા. જમાલપુર અને દરીયાપુર બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે આ બંને બેઠક ભાજપ ફરીથી કબજે કરવાના પ્રયાસ કરી રહી છે.
કોટ વિસ્તારની બંને બેઠકો ભાજપને કબજે કરવા માટે જે રીતે મહેનતની જરૂર છે તેવી મહેનત જોવા ન મળતા રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખાનપુર કાર્યાલય ખાતે શહેર હોદ્દેદારો અને ભાજપના ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી જેવા સિનિયર નેતા કોટ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને ચૂંટણીને લઇ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.