(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
વર્ષ 2002 માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો.
ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં 2002ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી નિરુપમ કણસાગરા ઉર્ફે ભૂરિયોની ધરપકડ કરી છે. જે પોલીસને હાથ તાળી આપવામાં માહેર છે. વર્ષ 2002માં આરોપી નિરુપમે તેના મિત્રો સાથે મળી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસની કામગીરીથી વાકેફ હોવાના કારણે આરોપી હત્યા કર્યા બાદ પોતાની ઓળખ છૂપાવીને અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. વર્ષ 2002માં ગાંધીનગરના પેથાપુરમાં રૂપિયાની લેતી દેતી મામલે ઈન્ડિગો ગાડીમાં સલીમ શેખ અને દેવશી ભરવાડની 6 લોકોએ મળી છરી વડે હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે વાવોલથી ઉવારસદ પાસે ઈન્ડિગો ગાડી પર પેટ્રોલ નાખી સળગાવી દીધી હતી. આ કેસમાં અગાઉ પાંચ આરોપીઓ ઝડપાયા હતા. જેમને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જો કે સજા દરમ્યાન પેરોલ પર બહાર આવેલા મુખ્ય આરોપી જશુ પટેલની વર્ષ 2009માં હત્યા નીપજાવી કાઢવામાં આવી હતી.
તેમજ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપી નિરુપમ ઉર્ફે ભુરીયો હત્યા કર્યા બાદ મહારાષ્ટ્રના શિરડીમાં જતો રહ્યો હતો. જે બાદ ચોટીલા પાસે આવેલા એક ગામમાં તેણે 6 વર્ષ સુધી ખેતી કામ કરી ગુજરાન ચલાવ્યું હતું. ત્યારબાદ આરોપી નિરુપમ મુન્દ્રા ખાતે ડીઝલ જનરેટર કામ શીખ્યો હતો. જેના આધારે વડોદરાની કંપનીમાં તેણે બે વર્ષ કામ કર્યું હતું. પોતાના અનુભવના આધારે આરોપીએ ભરૂચમાં પોતાનું ડીઝલ જનરેટર કામ શરૂ કર્યું હતું, જેમાં તે દેશભરમાં જનરેટ ભાડે આપવાનું કામ કરી ધંધો કરતો હતો.
વોંટેડ આરોપી પોલીસથી બચવા બધાને પોતાની ઓળખ મુન્નાભાઈ તરીકે આપતો હતો. ક્રાઈમબ્રાન્ચે બાતમી મળી હતી કે ગાંધીનગરના ડબલ મર્ડરનો વોન્ટેડ આરોપી હવે સુરત રહેવા આવ્યો છે, જેના આધારે તેની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. મૃતક સલીમ અને આરોપી જશુ પટેલને 1.40 લાખની લેતીદેતી હતી. જે પૈસા પરત ન કરતા જશુ પટેલ અને તેના સાગરીતો સાથે મળી તેમની હત્યા કરી હતી. 6 આરોપી પૈકી નિરુપમ કણસાગરા 23 વર્ષથી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી પેથાપુર પોલીસને સોંપ્યો છે.