પ્રધાનમંત્રીશ્રી મોદીનો ‘મન કી બાત’નો 121મો એપિસોડ
(જી.એન.એસ) તા. 27
નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 121 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કર્યુ હતું, તેમાં સંબોધનની શરૂઆતમાં આતંકવાદ વિરુદ્ધના સંદેશાથી કરી હતી. પહલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી. આ પહેલા તેમણે બિહારમાં એક ચૂંટણી સભામાં પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પહલગામ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે જ્યારે હું તમારી સાથે ‘મન કી બાત’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં પીડા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. ભલે તે ગમે તે રાજ્યનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય, દરેક ભારતીય આ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનું દુઃખ અનુભવી રહ્યો છે. આતંકવાદી હુમલાની તસવીરો જોઈને મને લાગે છે કે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે.’
વધુમાં પીએમ મોદીએ કહ્યું, ‘પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજો પ્રવૃત્તિઓથી ધમધમી રહી હતી, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પર્યટન વધી રહ્યું હતું અને યુવાનો માટે નવી તકો ઉભી થઈ રહી હતી, પરંતુ જમ્મુ અને કાશ્મીર અને દેશના દુશ્મનોને આ ગમ્યું નહીં. આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરનો નાશ કરવા માંગે છે.’
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ‘દરેક વ્યક્તિએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખું વિશ્વ, 140 કરોડ ભારતીયોની સાથે ઉભું છે.’
સાથેજ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારોને ન્યાય મળવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે ઘણા દેશોના નેતાઓએ તેમની સાથે ફોન પર વાત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો વ્યક્ત કર્યો છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે ઉભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાયનો વિજય થશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને કડકમાં કડક જવાબ આપવામાં આવશે.