શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી
ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા
(જી.એન.એસ) તા. 26
ગાંધીનગર/અમદાવાદ,
ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટની શરૂઆત તા. 16મી ફેબ્રુઆરી, 2025થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “Evening Policing” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના અમલના સવા બે મહિના (16 ફેબ્રુઆરી 2025થી 24 એપ્રિલ 2025) દરમિયાન સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં ગુજરાત પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.
અસરકારક કામગીરીની વિગતો:-
• ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SHASTRA પ્રોજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં કુલ 5529 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
• અમદાવાદ શહેર: 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 1515 ગુનાઓ નોંધાયા.
• સુરત શહેર: 9 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 3001 ગુનાઓ નોંધાયા.
• વડોદરા શહેર: 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 461 ગુનાઓ નોંધાયા.
• રાજકોટ શહેર: 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 552 ગુનાઓ નોંધાયા.
SHASTRA પ્રોજેક્ટની વિશેષતાઓ: ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45% ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે SHASTRA પ્રોજેક્ટ હેઠળ લીધેલા મહત્વના પગલાં:
• સાંજે 6થી રાત્રે 12 વાગ્યા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ SHASTRA ટીમો તૈનાત કરવામાં આવી.
• ફુટ પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ, અને નાકાબંધી જેવી પ્રવૃત્તિઓ વધારવામાં આવી.
• સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખીને 135 GP એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ.
• પોલીસની હાજરીને વધુ મજબૂત કરીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં આવી.