Home મધ્ય ગુજરાત અમદાવાદ વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને...

વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ

34
0

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાના નિદાન માટે અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓ શોધી, લોહીના નમૂના એકત્રિત કરીને નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું, તેમજ મેલેરિયા પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન પોરાનાશક કામગીરી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન, ફિવર સર્વેલન્સ, બાંધકામ સાઈટની તપાસ, શ્રમિકોના બ્લડ સ્ક્રિનિંગ તથા લાંબા સમય સુધી પાણી સ્થગિત રહેતું હોય તેવા વિવિધ વિસ્તારોમાં પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવે છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૩૩ ગામોની અંદાજિત ૨.૫૨ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી. રાજ્ય સરકારના મેલેરિયા નિર્મૂલનના અવિરત પ્રયાસોના ભાગરૂપે મેલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫માં ૧૯૬ ગામોની અંદાજિત ૨.૦ લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાસાયણિક દવાઓથી થતા પ્રદુષણના વિકલ્પ રૂપે જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ રાજ્યમાં કુલ ૩,૮૬૩ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર મચ્છરોના ઈંડામાંથી બનતા પોરાનું ભક્ષણ કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતો નથી. આ ઉપરાંત રાજ્યમાં દર વર્ષે સ્પેશિયલ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના પ્રિ મોન્સુન-એપ્રિલ માસ, મોન્સુન-જૂન માસ અને પોસ્ટ મોન્સુન-સપ્ટેમ્બર માસ એમ કુલ ૩ રાઉન્ડ દ્વારા મેલેરિયા નિયંત્રણ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે છે.

વિવિધ જન જાગૃતિના કાર્યક્રમો

વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મેલેરિયા અંગેની જનજાગૃતિ માટે જાહેર સ્થળોએ કાર્યક્રમો, પ્રદર્શન, પત્રિકાઓનું વિતરણ, ભવાઈ, નાટક, પપેટ શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાહેર સ્થળો પર રેલી, હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટર્સ, ભીંતચિત્રો તેમજ ભીંતસુત્રોના માધ્યમથી જાહેરાત અને સંદેશાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓ-કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છરજન્ય રોગ મેલેરિયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના હેતુસર વર્ષ ૨૦૦૭થી WHO દ્વારા સમગ્ર વિશ્વમાં તા. ૨૫ એપ્રિલના રોજ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવવામાં આવે છે. ‘વિશ્વ મેલેરિયા દિવસ’ અંતર્ગત ચાલુ વર્ષે WHO દ્વારા “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite”ની થીમ નક્કી કરવામાં આવી છે.

મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?

મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. એનોફિલીસ માદા મચ્‍છર મેલેરિયાના દર્દીને કરડે ત્‍યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. ત્યારબાદ આ મચ્છર તંદુરસ્‍ત વ્‍યકિતને કરડે ત્‍યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.

મેલેરિયાના ચિન્હો

મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગવી, ધ્રુજારી આવવી, ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવવો, તાવ એક દિવસના અંતરે અથવા દરરોજ આવવો, માથું અને શરીર દુખવું, કળતર તેમજ ઊલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો થાય જેવા વિવિધ લક્ષણો જોવા મળે છે.

મેલેરિયા સામે રક્ષણ માટે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે, તે માટે પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા, ઘરની આજુ બાજુ પાણીના નાના ભરાવામાં માટીથી પુરાણ કરવું તેમજ મોટા ભરાવામાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકવી, મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો, બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાડવી, મચ્છર અગરબત્તિ તથા રિપેલન્ટનો ઉપયોગ કરવો, વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો, તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવવી જેવા સાવચેતીના પગલાં ભરવા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field