Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

49
0

દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધાઓમાં સહભાગી થશે – રૂ. 41.50 લાખના ઈનામો અપાશે

(જી.એન.એસ) તા. 8

અંબાજી,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે.

આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.50 લાખ રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તીર-કામઠાના કસબને ખેલ-કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં નારીશક્તિના કૌશલ્યને નિખારવાના અવસરો ખેલકૂદ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ, ઇનોવેશનમાં પણ મળ્યા છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતે પણ ખેલ મહાકુંભનું આયોજન વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં કરીને રાજ્યની મહિલા ખેલાડીઓ સહિત ખેલ પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખીલવાની તક આપી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ દેશને ગૌરવ અપાવનારી ગુજરાતની મહિલા ખેલ પ્રતિભાઓ સરિતા ગાયકવાડ, પેરા એથ્લિટ ભાવીના પટેલ અને આર્ચરી રમતમાં રાજ્યને દેશમાં ગૌરવ અપાવનારી ભાર્ગવી ભગોરા, મૈત્રી પઢીયારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉભરતાં ખેલાડીઓને ઉત્તરોત્તર વધતા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ તથા અદ્યતન સાધન સુવિધાઓ રાજ્ય સરકાર આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.

રાજ્યમાં 32 જિલ્લાઓમાં બિનનિવાસી સેન્ટર ઓફ એક્સેલન્સ, 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ડી.એલ.એસ.એસ.ના માધ્યમથી ઉત્કૃષ્ટ તાલીમ અપાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

200થી વધુ ખેલાડીઓ અહીં આર્ચરીની તાલીમ મેળવે છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે અને આર્ચરી સહિતની રમતોમાં રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિક્સ-2036માં ભાગ લઈ શકે તેવી આપણી નેમ છે.

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રિ બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત આર્ચરી સ્પર્ધા થકી રાજ્ય સરકાર નારીશક્તિ અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. યુવા પેઢીને ગુજરાતના મુખ્ય પ્રવાસ સ્થળો અને તીર્થ સ્થાનો તરફ આકર્ષવા તેમજ રાજ્યના સ્પોર્ટસ ટુરીઝમને વેગ આપવા માટે પોલો ફોરેસ્ટ, ધરોઈ, પાવાગઢ, અંબાજી અને ગીર વિસ્તારમાં વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ અને રીક્રીએશન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૫૧ શક્તિપીઠની પરિકલ્પનાને સાકાર કરાઈ છે.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓને સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ અંબાજી ખાતેથી ૨૫ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુલ રૂપિયા ૪૭૫.૩૦ લાખના ખર્ચે જિલ્લામાં નવીન ૨૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ૦૪ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા ૦૧ એમ્બ્યુલન્સને સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને સૌ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ખેલાડીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

2024 પેરા-ઓલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવનાર અને અર્જૂન એવોર્ડ વિજેતા પેરા-તીરંદાજ સુશ્રી શીતલ દેવીએ વિશેષ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય સર્વેશ્રી અનિકેત ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ અનાવાડીયા, સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, શ્રી સંદીપ સાંગલે, જિલ્લા કલેકટરશ્રી મિહીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field