Home ગુજરાત ગાંધીનગર રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાની ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ સમીક્ષા કરતાં...

રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાની ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ સમીક્ષા કરતાં અર્બન આરોગ્ય કમિશનરશ્રી

27
0

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓ ખાતે આગામી તા.૨૧ થી ૨૫ એપ્રિલ દરમિયાન ઉજવાશે ‘ફાયર સેફ્ટી વીક’

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

આરોગ્ય કમિશનર- અર્બન શ્રી હર્ષદકુમાર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાઓની વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય કમિશ્નરશ્રીએ વિગતવાર સમીક્ષા બાદ અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય અધિકારીશ્રીઓને કડક સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફટી વધુ સુદ્રઢ બની છે. અર્બન આરોગ્ય કમિશનર શ્રી હર્ષદકુમાર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આરોગ્ય સંસ્થામાં કાર્યરત ફાયર સેફ્ટી કમિટીને સમયાંતરે ફાયર સેફ્ટી ઓડિટ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં ઇલેક્ટ્રીક લોડ અનુરૂપ વાયરીંગ છે કે કેમ? તેની ખાતરી કરવી તેમજ પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના સંકલનમાં રહી ઇલેક્ટ્રીકલ ઓડિટ કરાવવા તાકીદ કરી હતી.

રાજ્યની હૉસ્પિટલોના ઇન્ટેન્સીવ કેર યુનિટ-ICU અને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ-SNCUમાં ખાસ વાયરીંગની ચકાસણી કરવી, અશક્ત દર્દીઓ અને ICU-SNCUના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્વત કરવા માટે પણ આરોગ્ય કમિશ્નરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત આગની ઘટના સમયે શું કરવું અને શું ન કરવું તે દર્શાવતા પોસ્ટર લગાવવા તેમજ ફાયર એક્ઝિટ સંકેતો રાતમાં પણ સ્પષ્ટ દેખાય તેવા હોવા જોઇએ, તેમ તેમણે જણાવ્યું હતું.

આરોગ્ય કમિશનરશ્રીએ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી અને રિન્યૂ કરાવવા તેમજ તમામ જગ્યાઓ પર જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો ઇન્સ્ટોલ કરાવવા સૂચન કર્યું હતું. તેવી જ રીતે, ફાયર એન.ઓ.સી. છે કે નહીં તેની સમીક્ષા કરીને એન.ઓ.સી. સમયસર રિન્યૂ કરાવવા અને જો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય તો તુરંત ફાયર એન.ઓ.સી. રિન્યૂ કરાવી લેવા તેમણે સૂચન કર્યું હતું.

આ ઉપરાંત તેમણે આરોગ્ય સંસ્થાઓમાં દર મહિનાની ૬ઠ્ઠી તારીખે ફાયર મોકડ્રીલ અચૂક કરવા સૂચવ્યું હતું. આ મોકડ્રીલમાં આરોગ્ય સંસ્થાના તમામ સ્ટાફને ફાયર સેફ્ટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા અને તેમાં ભાગ લેવા પણ જણાવ્યું હતું. 

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય સંસ્થાઓ ખાતે તા.૨૧ થી ૨૫ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન ‘ફાયર સેફ્ટી વીક’ ઉજવવા, નિર્ધારિત પ્રવૃત્તિઓના સમયપત્રક, અગ્નિ સલામતી પ્રતિજ્ઞા અને ફાયર સેફ્ટી માર્ગદર્શક સૂચનાઓ અનુસરવા આરોગ્ય કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થા અંગે સમયાંતરે ચકાસણી કરવી, આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ પ્લાનની અમલવારી કરવી, આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ કોઇપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઇએ, ફાયર એક્ઝિટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા જોઈએ તેમજ આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝિટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા જોઈએ.

વધુમાં, આગના બનાવ સમયે તમામ સ્ટાફને પોતાને કરવાની થતી કામગીરી અંગે જાણકારી હોવી જરૂરી છે અને તે અંગે જરૂરી માર્ગદર્શન સંલગ્ન અધિકારીશ્રીએ નિયત કરવા અંગે પણ આ કોન્ફરન્સમાં સૂચન કરવામાં આવ્યુ હતું. આરોગ્ય સંસ્થાઓ દ્વારા મોકડ્રીલમાં ફાયર સેફ્ટીના સાધનો જેવા કે સ્પ્રીંકલર, ફાયર એલાર્મ, સેન્સર, ફાયર સેફ્ટી સિસ્ટમ વગેરે માટે પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ અને સંબંધિત ઝોનના ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.

તદુપરાંત ફાયર સેફ્ટીના ઉક્ત તમામ મુદાઓ અંગે આપવામાં આવેલી સૂચનાઓને ચુસ્તપણે અમલ કરવા અને તે અન્વયે કરવામાં આવેલી કાર્યવાહી અંગેના એક્શન ટેકન રિપોર્ટ આરોગ્ય કમિશનરશ્રી, ગાંધીનગરની કચેરી ખાતે સમયમર્યાદામાં મોકલી આપવા તેમણે જણાવ્યું હતું.

આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ, તેઓના તાબા હેઠળની મેડિકલ કોલેજ અને હોસ્પિટલો, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંન્દ્રો સહિત તમામ આરોગ્ય સંસ્થાઓના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field