છેલ્લાં બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૨૭ ખેડૂતોને રૂ. ૮.૭૯ લાખની, જ્યારે કચ્છ જિલ્લામાં ૧૪૦ ખેડૂતોને રૂ. ૨૫.૯૪ લાખની રાહત અપાઈ: ઊર્જા મંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 18
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજજોડાણમાં રાહત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. જે અંતર્ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં રાજ્યના ૨૧૬૦ અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા વીજજોડાણ પેટે ભરવા પડતાં એસ્ટિમેટમાં કુલ રૂ. ૨૨૫.૨૩ લાખની રાહત આપવામાં આવી છે.
આ યોજના અંગે માહિતી આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજકંપનીને એક નવા કૃષિ વિષયક વીજજોડાણ માટે સરેરાશ રૂ. ૧.૭૩ લાખનો થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વીજલાઇન તથા ટ્રાન્સફોર્મરનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવાનો થતો નથી, પરંતુ માત્ર નોંધણી ફી, એગ્રીમેન્ટ ચાર્જ, ટેસ્ટ રિપોર્ટ અને લોડ પ્રમાણે ડિપોઝિટનાં નાણાં ભરપાઈ કરવાના રહે છે.
જે મુજબ, ૫ હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. ૭૮૫૫ ભરવાના થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતોએ માત્ર રૂ. ૧૩૫૫ ભરપાઈ કરવાના થાય છે. આ જ રીતે, ૧૦ હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. ૧૪,૧૯૦ની રકમ સામે અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર રૂ. ૨૧૯૦ ભરપાઈ કરવાના થાય છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૧૨૭ ખેડૂતોને નવા વીજજોડાણ માટે કુલ રૂ. ૮.૭૯ લાખની રાહત આપવામાં આવી છે.
આ જ પ્રકારે, કચ્છ જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૪૦ ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણ માટે કુલ રૂ. ૨૫.૯૪ લાખની રાહત આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.