(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
અમદાવાદ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા સ્પોર્ટસ અથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા હાજર રહ્યાં હતાં. રિવરફ્રન્ટ ખાતે 650થી વધુ લોકો સાયકલ ચલાવવા જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સમગ્ર દેશમાં આગળ વધી રહી છે. સન્ડે ઓન સાયકલ ધીમે ધીમે કલ્ચર બનવા લાગ્યું છે, આજે 5000થી વધુ સ્થળોએ ડોકટરો સન્ડે ઓન સાયકલિંગ કરીને, ફિટ ઇન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે. આ રવિવારની થીમ IMA દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે ફિટ રહેવું હોય તો સાયકલિંગ કરવું પડશે. આપણે પ્રકૃતિ, પર્યાવરણને બચાવવો હોય, પ્રદૂષણ ઘટાડવા, ટ્રાફિક ઓછો કરવા આપણે સાયકલ ચલાવવી પડશે. અપણે દેશનું હુડિયામણ બચાવવા માટે સાયકલ ચલાવવા જવું પડશે. આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા, ફિટ રહેવા સાયકલિંગ કરવું જ પડશે. સાયકલિંગ એક એવી કસરત છે જે આપણી સાથે દેશને પણ ફિટ રાખે છે. અને તેથી, પ્રધાનમંત્રીના આહ્વાન પર, ભારત સરકારનું રમતગમત મંત્રાલય સમગ્ર દેશમાં દર અઠવાડિયે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. દરેક અઠવાડિયાની એક અલગ થીમ હોય છે. દરેક થીમમાં સમાજના વિવિધ વર્ગો સામેલ થાય છે. ક્યારેક સરકારી કર્મચારીઓ, ક્યારેક રમતવીરો, ઘણી વખત ઉદ્યોગપતિ તો ક્યારેક એનજીઓ જોડાય છે. આ વખતે ડોકટરો જોડાયા છે, વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે દેશના દરેક નાગરિકે પોતાને ફિટ રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે.
સાથેજ તેમણે આ બાબતે વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં, સાયકલિંગને કાર્બન ક્રેડિટ સાથે જોડવામાં આવશે. સાયકલિંગમાં ચિપ ઇન્સ્ટોલ કરીને અને તેનું નિરીક્ષણ કરીને, આપણે તેને કાર્બન ક્રેડિટમાં પણ રૂપાંતરિત કરી શકીશું. રમતગમત મંત્રાલયે આ દિશામાં એક ચળવળ શરૂ કરી છે.
તેમણે પ્રધાનમંત્રીના મેદસ્વિતા વિરૂદ્ધ દેશવ્યાપી અભિયાન અંગે ચર્ચા કરતા જણાવ્યું કે હાલમાં, પ્રધાનમંત્રીએ સ્થૂળતા વિશે જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. સાયકલિંગ પણ એક સારો ઉકેલ છે. ચાલો આપણે સાયકલ ચલાવીએ અને જાગૃતિ લાવીએ અને સ્થૂળતા સામે લડીએ. આપણે એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે, પરંતુ એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે દેશના નાગરિકો સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ નાગરિક જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. એક સ્વસ્થ સમાજ જ એક સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. સમૃદ્ધ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે, દેશના નાગરિકોએ ફિટ રહેવું જોઈએ અને ફિટ રહેવા માટે, આપણે સાયકલ ચલાવવાને આપણા જીવનની સંસ્કૃતિ બનાવવી જોઈએ. અત્યારે આપણે “સન્ડે ઓન સાયકલિંગ” નામનું એક આંદોલન ચલાવી રહ્યા છીએ, પરંતુ આગળ વધીને સાયકલિંગ આપણા જીવનનો એક ભાગ બનવું જોઈએ.
તેમણે ઉપસ્થિત તમામને અપીલ કરી કે જો આપણું કાર્યસ્થળ નજીકમાં હોય, શાકભાજી લેવા જવુ હોય અથવા નજીકના સ્થળે જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ. આજે આટલી મોટી સંખ્યામાં ડોક્ટરોએ સાયકલ ચલાવીને માત્ર અમદાવાદ જ નથી પરંતુ સમગ્ર દેશને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે.
આ પ્રસંગે સાંસદ સર્વશ્રી હસમુખભાઈ પટેલ તથા દિનેશભાઈ મકવાણા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગરના પ્રાદેશિક નિયામક, શ્રી મણિકાંત શર્મા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.