Home ગુજરાત કચ્છ કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ...

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ

4
0

(જી.એન.એસ) તા. 10

કચ્છ,

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયોજિત કરેલી ૦.૫૦૬ મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

જે અંતર્ગત મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને ૦.૧૮૨ મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જે પૂર્ણ કરીને મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના એક્ષ્ટેન્શન કરી અબડાસા અને લખપત તાલુકામાં કામગીરી માટેનું સર્વે કરી પથરેખા, લાભિત વિસ્તાર અને યોજનાના પાસાઓ તેમજ ખર્ચ માટે વિગતવાર આયોજન કરવામાં આવનાર છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કચ્છમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે તબક્કા-૧ની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે સારણ લિંક પાઈપલાઈનનું કામ આશરે રૂ.૭૨૦.૦૦ કરોડના ખર્ચે હાથ ધરાઈ રહેલ છે. જેમાં બે પમ્પિંગ સ્ટેશન તથા ૭૨ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી રાપર તાલુકાનાં ૮ ગામોના ૨૯૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ મળશે.

આ જ પ્રકારે, સધર્ન લિંક પાઈપલાઈનના તબક્કા-૧ની કામગીરીની વિગતો આપતાં રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૨૦૨૯.૦૦ કરોડના ખર્ચે ૬ પમ્પિંગ સ્ટેશન અને ૧૫૮ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી મુન્દ્રા, ભુજ, માંડવી અને અંજાર તાલુકાનાં ૪૭ ગામોના ૩૮,૮૨૪ હેક્ટર વિસ્તારને અને ૨૫ સિંચાઈ યોજનાઓને તેનો લાભ મળશે.

જ્યારે નોર્ધન લિંક પાઈપલાઈનના પ્રથમ તબક્કામાં અંદાજિત રૂ. ૧૪૧૯ કરોડના ખર્ચે ચાર પમ્પિંગ સ્ટેશન અને ૧૦૬ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેનાથી ભુજ અને નખત્રાણા તાલુકાનાં ૨૨ ગામોના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારની ૧૨ સિંચાઈ યોજનાઓને લાભ મળશે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે, તબક્કા-૨ની કામગીરીની વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે સધર્ન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રકમ રૂ.૧૩૬૮.૦૦ કરોડના ખર્ચે ૯ પમ્પિંગ સ્ટેશન અને ૨૧૨ કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેનાથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાનાં ૨૮ગામોના ૩૬,૫૧૪ હેક્ટર વિસ્તારને લાભ થશે. જેમાં ૨૮ સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે.

જ્યારે નોર્ધન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રૂ. ૮૪૮.૦૦ કરોડના ખર્ચે ૫ પમ્પિંગ સ્ટેશન અને ૧૨૦ કિ.મી. પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેનાથી નખત્રાણા અને લખપત તાલુકાનાં ૨૫ ગામોના ૩૧,૬૮૧ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેનાથી ૧૩ સિંચાઈ યોજનાઓને લાભ મળશે તેમ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field