(જી.એન.એસ) તા. 7
અમદાવાદ,
અમદાવાદ જીલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ અમદાવાદની અનાથ બાળકી રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ હતી. આ પ્રસંગે આયોગના અધ્યક્ષશ્રીએ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
અમદાવાદના પાલડી ખાતે આવેલા શિશુગૃહમાં તા.૦૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્યજાયેલ હાલતમાં મળેલી એક બાળકીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકીના પરિવાર દ્વારા બાળકીને સમય મર્યાદામાં પરત મેળવવા માટે કોઈ હક્ક દાવો કરવામાં આવ્યો ન હતો. જેથી આ બાળકીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલ ફ્રી ફોર એડોપ્શન જાહેર કરવામાં આવતા સંસ્થા દ્વારા દત્તક આપવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રહેતા શ્રી હર્ષદ અને શ્રીમતી પ્રનિતા બાદશાહ નામના દંપત્તિએ CARA-Central Adoption Resource Authorityમાં બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી. જે અંતર્ગત શિશુગૃહ પાલડી દ્વારા આ દંપત્તિને બાળકી દત્તક આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જીલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ, પાલડી, અમદાવાદ ખાતે સમાજના અનાથ, નિરાધાર, ત્યજાયેલા, તરછોડાયેલા અને સરન્ડર થયેલા બાળકો આશ્રય અર્થે આવતા હોય છે. શિશુગૃહ, અમદાવાદ ખાતે ૦૦ વર્ષથી ૦૬ વર્ષ સુધીના બાળકોને આશ્રય આપવામાં આવે છે. સદર બાળકોનું સમાજમાં પુનઃસ્થાપનની કામગીરી છેલ્લા ૧૭ વર્ષથી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થામાં ૦૦ થી ૦૬ વર્ષના કુલ ૫૫૭ બાળકો આવેલા છે, જેમાંથી ૨૭૭ જેટલા બાળકોનું એડોપ્શન થયું છે. જે પૈકી ૨૨ બાળકોને વિદેશમાં અને બાકીના બાળકોને ભારતમાં દત્તક આપવામાં આવ્યા છે. દર વર્ષે આ સંસ્થામાં આશરે ૩૫ થી ૪૦ બાળકો આશ્રય અર્થે આવતા હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.