ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આદિજાતિ સમુદાયના અનેક યુવાનો દેશના અર્થતંત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે: આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલા ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ગુજરાત સહિત ભારતભરમાં ઉજવવા અંગેના સંકલ્પને આવકારતા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એક મહાન ધર્મયોદ્ધા, સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન શ્રી બિરસા મુંડાનો જન્મ તા.૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઝારખંડના ઊલિહાતું, ખૂંટી ખાતે થયો હતો. તેમની માતાનું નામ કરમી હતુ અને પિતાનું નામ સુગના મુંડા હતું તથા તેમના પરિવારમાં એક ભાઈ અને એક બહેન હતાં.
મંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન શ્રી બિરસા મુંડાનું પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સાલગા ગામમાં થયું હતું અને ત્યાર પછી તેમણે જર્મન ઈસાઈ મિશનરી સંચાલિત ઈંગ્લિશ મીડલ સ્કૂલ, ચાયબાસામાં અભ્યાસ અર્થે પ્રવેશ લીધો હતો, પરંતુ અધવચ્ચેથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. વર્ષ ૧૮૯૧માં તેમણે બદગાવ ગામના આનંદ પાડે પાસેથી વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ચાર વર્ષ સુધી આત્મજ્ઞાન માટે સાધના કરી, સાથે-સાથે વન ઔષધિઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આગળ જતાં “મહાત્મા બિરસા” તરીકે ઓળખાયા.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી બિરસા મુંડા તા.૨૫ ઓગષ્ટ, ૧૮૯૫ના રોજ અંગ્રેજ પોલીસે તેમની ધરપકડ કરીને હજારીબાગની જેલમાં લઈ ગયા અને ત્યાંથી તેઓ બે વર્ષનો કારાવાસ ભોગવી તા.૩૦ નવેમ્બર, ૧૮૯૭માં જેલમાંથી મુક્ત થયા હતા. વર્ષ ૧૮૯૯માં તેમણે અંગ્રેજોના દમન અને શોષણ વિરુદ્ધ ફરી આંદોલનની શરૂઆત કરી હતી. તા.૩ ફેબ્રુઆરી, ૧૯૦૦માં ગુપ્તચરો અને ભેદીઓની મદદથી બદગાવમાં અંગ્રેજ પોલીસે ફરીથી તેમની ધરપકડ કરી હતી. તા.૯ જૂન, ૧૯૦૦ના દિવસે સ્વતંત્રતાના મહાનાયકનું રહસ્યમય સંજોગોમાં રાંચી જેલમાં મૃત્યુ થયું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બિરસાજીએ શ્રી ઈસાઈ મિશનરીઓના ષડયંત્રથી સમાજની રક્ષા અને ધર્મોપદેશ આપવાનું સુંદર કાર્ય કર્યું હતું. તેમના સમયે આપણા સમાજના લોકોને અંગ્રેજોની છત્રછાયાંમાં પોતાના ધર્મથી વિમુખ કરવા માટે મિશનરીઓ દ્વારા લોભ લાલચ અને ધાકધમકીથી ધર્માંતરણ કરવાનું પડયંત્ર ચાલી રહ્યું હતું. તેમના માતા કરમી અને પિતા સુગનાએ પણ આ પડયંત્રનો ભોગ બની ધર્માંતરણ કર્યું.
તેજસ્વી બિરસાને ભણવા માટે ચાઈબાસામાં મિશનરી સ્કૂલમાં પ્રવેશ માટે ગયા ત્યારે પ્રવેશ માટે બાપ્તિસ્મા લઈ ઈસાઈ બનવાની શરત મૂકવામાં આવી હતી. માત્ર માતા-પિતાને માન આપવા અને આધુનિક શિક્ષણ મેળવવા માટે ક-મને સ્વીકાર કર્યો હતો. ધર્માંતરણ પછી તેમનું નામ બદલીને ‘ડેવિડ બિરસા’ કરી દેવામાં આવ્યું હતું. ત્યાં તેમની શિખા કાપી નાંખવામાં આવી, તેમને ઘણો આઘાત લાગ્યો. ભોજનમાં ગૌમાંસ પીરસવામાં આવ્યું, પરંતુ તેમણે તે ખાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ભગવાન શ્રી બિરસા મુંડાને ધીમે ધીમે ધ્યાનમાં આવ્યું કે ખ્રિસ્તી પાદરીઓ ભણતરના નામે ભારતીય સંસ્કૃતિ પર આઘાત કરી રહ્યા હતા. ત્યારબાદ આ અંગ્રેજ શિક્ષકો અને પાદરીઓ દ્વારા આપણા ધર્મની નિંદા કરતા અને નીચો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
એક વખત ભગવાન શ્રી બિરસા મુંડાએ ખ્રિસ્તી પાદરી નોટ્સની સામે કહી દીધું હતું કે “સાહેબ એક જ ટોપી છે, એટલે કે અત્યાચારી અંગ્રેજ ઓફિસરો અને પાદરીઓ એક જ છે.” જેના કારણે ભગવાન શ્રી બિરસા મુંડાને માફી માગવા કહ્યું પરંતુ માફી ન માંગી એટલે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના પછી સમગ્ર ગામે તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમના માતા-પિતા ખ્રિસ્તી ધર્મ છોડી પરત સ્વધર્મમાં આવ્યાં. જેના પગલે અનેક લોકો સ્વધર્મમાં પાછા આવ્યા. ત્યારબાદ બિરસાજીએ ઈસાઈ મિશનરીઓના આ કરતુતોને ખુલ્લા પાડવાનું તથા પોતાના ધર્મને છોડીને ગયેલા લોકોને સ્વધર્મમાં પરત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો. તેઓ લોકોને અંધશ્રદ્ધા, વ્યસનો અને કુરિવાજો છોડવાનો સંદેશો આપતા હતા. જોત જોતામાં અનેક લોકો તેમના અનુયાયી બની ગયા હતા.
વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘આપણી માટી આપણા જંગલ’ માટે જ બિરસા ભગવાનનો પ્રયાસ હતો. અંગ્રેજોએ જમીન અધિકરણ અને નવી જમીનદારી રોકવા માટે છોટા નાગપુર કાષ્ટકારી કાનૂન પસાર કર્યો અને જનજાતિઓના અધિકાર બહાલ કરી દેવામાં આવ્યા. જળ-જમીન-જંગલ અને જનજાતિ સમાજ તથા સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધન માટે ભગવાન બિરસાએ ૧૧ બિરસાઈયત આપી હતી.
માત્ર ૨૫ વર્ષની અલ્પાયુમાં ભગવાન શ્રી બિરસા મુંડાએ ધર્મ સંસ્કૃતિ અને દેશની સ્વતંત્રતા માટે અદ્ભૂત કામ કર્યું છે. ભારત સરકારે બિરસા મુંડાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને “જન જાતિ ગૌરવ દિવસ’’ ઘોષિત કરીને ભગવાન બિરસા મુંડા જેવા જનજાતિ વીરોનું યથોચિત સન્માન કર્યું છે, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
નિઝરના ધારાસભ્ય ડૉ. જયરામભાઇ ગામીતે આજે વિધાનસભા ગૃહ ખાતે આ બિન સરકારી સંકલ્પ રજૂ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને તેના વિકાસમાં જનજાતિય સમુદાયની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતિય સમુદાયોના આંદોલનોએ એક આગવું યોગદાન આપ્યું છે. ભારતવર્ષના જનજાતિય નેતા અને સ્વતંત્રતા સેનાની “ભગવાન બિરસા મુંડાજી”ના સંઘર્ષ અને બલિદાનને બિરદાવવા વર્ષ ૨૦૨૧ થી સમગ્ર ભારતમાં તેમના જન્મદિવસ ૧૫મી નવેમ્બરને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે મનાવવામાં આવે છે.
આ સંકલ્પની ચર્ચામાં ધારાસભ્યશ્રીઓ નરેશભાઈ પટેલ, શ્રી પી.સી. બરંડા, શ્રી દર્શનાબેન દેશમુખ સહિતના સભ્યશ્રીઓએ પોતાના વિચારો રજૂ કરીને સમર્થન આપ્યું હતું. આ બિનસરકારી સંકલ્પનો વિધાનસભા ગૃહ દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.