(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૪૪ કલેઈમની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પેટે વર્ષ ૨૦૨૩માં રૂ.૭૭.૨૮ લાખ તેમજ વર્ષ ૨૦૨૪માં રૂ. ૧,૨૪૨.૨૫ લાખ એમ બે વર્ષમાં કુલ ૧,૩૧૯.૫૩ લાખની વ્યાજ સહાય ટેક્સટાઇલ ઉદ્યોગોને આપવામાં આવી છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત વધુ માહિતી આપતાં કહ્યું હતું કે,ગુજરાત ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સહાય યોજના -૨૦૧૯ અંતર્ગત એમ.એસ.એમ.ઇ. એકમોને ૬ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. વધુમાં લાર્જ કક્ષાના એકમોને તેમના દ્વારા પુરી પાડવામાં આવતી રોજગારીને ધ્યાને લઇ ૪ ટકા થી ૬ ટકા સુધીની વ્યાજ સહાય આપવામા આવે છે.
મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,રાજ્યની મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કામ કરતી મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ – SHG)ને સહાય આપવા અંગેની જોગવાઈ નવી ટેક્ષટાઇલ પોલીસીમાં કરવામાં આવી છે. જેમાં સ્વ-સહાય જૂથની મહિલા સભ્યને તાલીમ દરમ્યાન સરકાર તરફથી રૂ.૫૦૦૦ પ્રતિ સભ્ય દીઠ ૦૩ માસ માટે તાલીમ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સિવાય સ્વ-સહાય જૂથને મહિલા સભ્ય દીઠ માસિક રૂ.૫૦૦૦ પે-રોલ સહાય આપવામાં આવશે.
વધુમાં, સ્વ-સહાય જૂથને જોબવર્કનું કામ આપનાર ઔદ્યોગિક એકમને પણ સરકાર પ્રોત્સાહન પૂરૂ પાડશે જેથી સ્વ-સહાય જૂથને લાંબા સમય માટે કામ મળી રહેશે અને સભ્યોને સ્થાયી રોજગારી મળી રહેશે.
આ સહાય રાજ્યની મહિલાઓને સશક્ત અને સ્વનિર્ભર બનાવશે. રાજ્ય સરકાર હંમેશાં મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે તેમ મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.