(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં ‘સ્વાસ્થ્ય ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના નાગરિકો આજે ઓબીસીટી- મેદસ્વિતા સામે લડી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘ઓબેસિટી મુક્તિ’ માટે શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી પહેલ અનુકરણ અને અભિનંદનની પાત્ર છે, સાથે સાથે વર્તમાન સમયની જરૂરિયાત છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે ‘સ્વાસ્થ્ય ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ની નેમ વ્યક્ત કરી છે. જેમાં આવનાર આખુ વર્ષ રાજ્ય સરકાર ઓબેસીટી સામે લડશે અને આ અભિયાનને ગુજરાતના ગામે -ગામ પહોંચાડશે, તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે તેમજ આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવશે.
આ અભિયાન વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ અભિયાન માટે રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નાગરિકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે, રજીસ્ટ્રેશનના માધ્યમથી એમનું વજન, એમની ઊંચાઈ સહિતની માહિતી એપ્લિકેશનમાં ઉમેરતા નાગરિકોની સ્વસ્થ જીવન માટેની ઊંચાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ, એ અંગે સંપૂર્ણ વિગતો એપ્લિકેશન દર્શાવશે.
ગુજરાત સરકાર આ અભિયાનને રાજ્યના તમામ બાળકો- યુવાનો સહિત તમામ નાગરિકો સુધી પહોંચાડશે. જેમાં શાળાના વિધાર્થીઓની અન્ય શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રતિયોગિતા થશે, કોલેજ- કોલેજ વચ્ચે યુવાનોમાં પ્રતિયોગિતા થશે. એજ પ્રકારે પ્રતિયોગિતા જિલ્લા કક્ષાએ પણ શરૂ કરવામાં આવશે. સાથોસાથ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આ પ્રતિયોગિતાને લઈ જવામાં આવશે. આ પ્રતિયોગિતા માધ્યમથી જે વિભાગમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોય તો એ લોકો ચેલેન્જ સ્વરૂપે નહીં,પણ સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એમાં જીત મેળવે તે પ્રકારની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ઇનામ આપવામાં આવશે, સરકાર દ્વારા આખા વર્ષમાં ઓબેસીટી સામે અનેક કાર્યક્રમો નક્કી કરવામાં આવશે, વર્ષ દરમિયાન નિરંતરપણે દરેક સરકારી કાર્યક્રમમાં આ કાર્યક્રમને જોડવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.