વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવ્યું છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
(જી.એન.એસ) તા. 1
કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી.
એક સમયે સુકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે. અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ સરહદ વટાવી વિદેશમાં પહોંચ્યા છે. વિદેશોમાં કચ્છી ખેત પેદાશોની માંગ પણ એટલી જ છે. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ કચ્છના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે કચ્છના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનું અભિયાન સરકાર દ્વારા શરૂ કરાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવ્યું છે. રાજ્યપાલશ્રીએ લોકોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. આજે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારવા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનું પરિબળ સાબિત થઈ છે. વિવિધ પ્રકારની પાકની બીમારીઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનીમદદથી અટકાવી શકાય છે એમ રાજ્યપાલશ્રીએ દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું. રાજ્યપાલશ્રીએ કચ્છ સહિત સમગ્ર રાજ્યના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ધનલક્ષ્મી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત અને ઘનજીવામૃત કેવી રીતે તૈયાર થાય છે તેના વિશે જાણકારી મેળવીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. રાજ્યપાલશ્રીએ ફાર્મ ખાતે પ્રાકૃતિક નર્સરી, વાડીના વિવિધ ફળ તથા શાકભાજીના પાકનું નિરિક્ષણ કર્યું હતું. મોડેલ ફાર્મથી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળે તે પ્રકારના પ્રયાસો કરવા રાજ્યપાલશ્રીએ સૂચન કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટી, શેઠિયા ફાર્મના ખેડૂત હિતેશભાઈ વોરા, અગ્રણીશ્રી હરેશભાઈ ઠક્કર સહિત ખેડૂતો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.