(G.N.S) dt. 19
અમરેલી,
ભારતમાં સાધુ, સંતો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત ૧૦૦ બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરાવ્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, રાજકોટ સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતશ્રીઓએ નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે. સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના માધ્યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે.
સંસ્કાર એ જીવનની મોટી મૂડી હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની ભૂમિએ અનેક મહાપુરુષો આપ્યા છે, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ સમાજ અને નાગરિકોના કલ્યાણ માટે પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત ગૌ માતાના જતન-સંવર્ધન, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ સહિતના સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણના કાર્યો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે, અમરેલીના આસપાસના વિસ્તારમાં જેની જરુરિયાત હતી, તેવી અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન સુવિધાસભર હોસ્પિટલની આ સંતોએ અમરેલીને ભેટ આપી છે. આ હોસ્પિટલ નિર્માણના પવિત્ર કાર્યમાં સહયોગ આપનાર દાતાઓને રાજયપાલશ્રીએ બિરદાવ્યા અને અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલશ્રીએ માનવ જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવનાર અને નિરોગી લોકો ધર્મ, કર્મ અને નાવીન્ય દ્વારા સમાજનું કલ્યાણ કરી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ ઘણો ઝડપી થયો છે, આજે ગુજરાત આંતર માળખાકીય સુવિધાઓમાં અને કૃષિ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં ટોચના સ્થાને બિરાજે છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતાં કહ્યું કે, નાગરિકોને સારુ સ્વાસ્થ્ય મળી રહે તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. પ્રાકૃતિક કૃષિથી નાગરિકોનું આરોગ્ય સુધરશે તે સાથે હોસ્પિટલનું ભારણ પણ ઘટશે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિથી પર્યાવરણ, પાણી અને પ્રકૃતિનું જતન થશે અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે. તે ઉપરાંત રાસાયણિક ખાતર માટે ખર્ચ થતો પણ બચશે. આમ, પ્રાકૃતિક કૃષિના એક કામ દ્વારા અનેક કલ્યાણના કાર્યો થશે.
અન્ન સાથે મનનો સીધો સંબંધ ગણાવતા તેમણે શુદ્ધ ખાન-પાનની આદત કેળવવાનો આગ્રહ કરતાં કહ્યું કે, નાગરિકો બિમાર હોય ત્યારે તેમનો જે સહારો બની સેવા કરે તે નારાયણની સેવા બની જાય છે.
રાજ્યપાલશ્રીએ ગાયના સંવર્ધન માટે કાર્ય કરનાર તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને અભિનંદન આપતાં કહ્યું કે, ઉન્નત કક્ષાના બ્રીડની ટેકનોલોજીથી ગાયોનું જતન-સંવર્ધન થશે તે સાથે પ્રાકૃતિક કૃષિને પણ વેગ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ, સમાજ જીવન અને વ્યવસ્થાપનના ‘ભારતીય મોડલ’ વિશે સવિસ્તર ઉદ્ધોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ગુરુકુળો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. આ સંસ્થાનો દ્વારા સમાજની પ્રગતિ અને આરોગ્યલક્ષી સેવાના કાર્યો થઈ રહ્યા છે. ભારતમાં આરોગ્ય એ સેવાનો વિષય છે.
ભારતમાં સાધુ-સંતશ્રીઓ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળ જેવા સમયે આપણી પરંપરા આધારિત કોવિડ મેનેજમેન્ટનું ‘ભારતીય મોડલ’ આપ્યું, જેના થકી તબીબો, પેરામેડિકલ્સ સ્ટાફનું મનોબળ મજબૂત થયું.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આવા જ ‘ભારતીય મોડલ’ પર કાર્યરત છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની આહલેક જગાડી અને જનજાગૃત્તિનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકળ દ્વારા નિર્મિત ધર્મજીવન હૉસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની કામગીરી ઉત્તમ રીતે થશે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સંત શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી, સંત શ્રી ધર્મવલ્લભ સ્વામી અને સંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. ગઈકાલે ગઈકાલે તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ હતો, તેમના જન્મદિન નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ખાસ ખેસ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.
ધર્મજીવન હોસ્પિટલના સફળ સંચાલન અને દર્દીઓ સહિત માનવ કલ્યાણ માટે સમૂહ પ્રાર્થના પણ આ પ્રસંગે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રાકેશભાઈ દુધાતે શાબ્દિક સ્વાગત અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સચિવ શ્રી ધીરજ કાકડિયાએ આભાર વિધિ કરી હતી.
અમરેલી ખાતે ધર્મજીવન હોસ્પિટલના નિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું સંતશ્રીઓના હસ્તે સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
અમરેલી સ્થિત નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલના ઉદ્ઘાટન – લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંત શ્રી દેવપ્રસાદજી સ્વામી, સુરત ગુરુકુળ સંસ્થાના સંત શ્રી ધર્મવલ્લભ સ્વામી, અન્ય સંતગણ, નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લાના પદાધિકારી શ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સમાજશ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, બહોળી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.