રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
કોરોના સંક્રમણમાં દેશના વિવિધ રાજયોમાં ચિંતાજનક વધારા સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ પરિસ્થિતિ સુધરવાની આશા – અપેક્ષાઓ વચ્ચે અને અમેરિકામાં કોરોના વેક્સિનેશનને વેગ મળતાં અને સ્ટીમ્યુલસ થકી અમેરિકામાં જીડીપી વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની શરૂઆતી તબક્કામાં મજબૂતી જોવા મળી હતી પરંતુ વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગત સપ્તાહમાં તીવ્ર વધારાના પરિણામે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ મોંઘવારી અસહ્ય બનવાના અને દેશના વિવિધ રાજયોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા તેમજ વૈશ્વિક મોરચે ફરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાના પરિણામે ફોરેન અને લોકલ ફંડો દ્વારા મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં ભય સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેત અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે ચિંતા વધારી છે જેની અસર શેરબજાર પર જોવાઈ રહી છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
આગામી નાણાં વર્ષ માટે દેશના ૧૩.૫૦%ના આર્થિક વિકાસ દરના અંદાજને નોમુરાએ જાળવી રાખ્યો છે પરંતુ વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો આર્થિક વિકાસ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે ચિંતાજનક બની શકે છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ ઢીલ જોવા મળી શકે છે પરંતુ આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણાંમાં હજુ કોઈ ઘટાડો આવ્યો નથી એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
જો કે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો હોવાથી નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે અને ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે. કોરોનાના નવા કેસ છતાં સરકાર દ્વારા સખત પ્રતિબંધો લાગુ કરાયા નથી. દેશના ઉપભોગતા તથા વેપારગૃહો નવી સ્થિતિ સાથે સાનુકૂળ બની ગયા છે આને કારણે નવા કેસોની અર્થતંત્ર પર નેગેટિવ અસર મર્યાદિત હશે. વેક્સિનેશનના હાલના સ્તરને જોતા વર્તમાન વર્ષમાં ભારતની વસતિના ૩૦% લોકોનું રસીકરણ શકય બનશે. દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે.
ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ઉપભોગ માગમાં વધારો થયો છે અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના મૂડમાં નથી. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રો લૉકડાઉનમાં આવ્યા ત્યારે ક્રુડ તેલના ભાવો નેગેટીવ સ્તરે જતાં કાચા તેલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ગત વર્ષના નવેમ્બર માસથી વિશ્વના વિવિધ દેશો ખાસ કરીને ચીન તથા ભારતમાં આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થવા લાગતા ક્રુડ તેલની માગમાં પણ વધારો થયો છે જેને કારણે ભાવ ઊંચકાયા છે. ગત સપ્તાહના પ્રારંભમાં સાઉદી અરેબિયાના ઉત્પાદન એકમો પર હુમલાના અહેવાલે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૭૦ ડોલરને પાર કરી ગયાનું જોવા મળ્યું હતું. ઓપેકની આગેવાની હેઠળ ક્રુડ તેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ ચાલુ રાખવાના લીધેલા નિર્ણયની સાથે સાથે અમેરિકામાં રિફાઇનરી બંધ પડતાં કાચા તેલના ભાવો હજી ઉછળે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે.
ક્રુડ તેલના એકદમ ઊંચા ભાવ અથવા એકદમ નીચા ભાવ અર્થતંત્ર માટે પ્રતિકૂળ સાબિત થતા હોય છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કુલ વપરાશ પૈકી ભારતનો ચોથો ક્રમ છે. દેશમાં કાચા તેલની ૮૦% જરૂરિયાત આયાતથી પૂર્ણ થાય છે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૮૦ ડોલર સુધીના ભાવ ભારતીય અર્થતંત્ર સાનુકૂળ રહે છે, પરંતુ ત્યારપછી કોઈપણ વધારો ભારતની રાજકોષિય ખાધ ઉપરાંત ઉદ્યોગો માટે પ્રતિકૂળ સાબિત થાય છે. માંગ વધતા ભાવ વધી રહ્યા છે અને માગમાં વધારાનો અર્થ ક્રુડ તેલનો વપરાશ વધી રહ્યો છે. ક્રુડ તેલના વધી રહેલા ભાવ રાજકોષિય તાણમાં વધારો કરતા હોવા છતાં આ વધારો અર્થતંત્ર – ઈક્વિટી બજાર માટે પોઝિટિવ સંકેત આપે છે.
બજારની ભાવી દિશા….
મિત્રો, માર્ચ ૨૦૨૦માં કોરોનાને કારણે લૉકડાઉનની જાહેરાત બાદ બજાર ભારે કડાકો નોંધાયો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં અનલોકની સાથે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિ તબક્કાવાર શરૂ થતાં બજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. કંપનીઓની અને તેમાંય ખાસ કરીને ફાર્મા કંપનીઓની આવકમાં ખાસ્સો વધારો થતાં બજારને ખાસ્સો સપોર્ટ મળ્યો હતો. તેની સાથે સાથે વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો તેથી બજારમાં પ્રવાહિતા વધી હતી. કોરોના કાળ દરમિયાન અને વધુ છૂટછાટ આપવામાં આવ્યા બાદ શેર્સના ભાવોમાં ૭૦%થી વધુનો ઉછાળો નોંધાયો છે પરંતુ ખાદ્યસામગ્રી અને પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના ભાવમાં આવેલો વધારાના કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ રિટેલ ફુગાવા જાન્યુઆરી માસમાં ૧૬ મહિનાની નીચી સપાટીએ ગયા બાદ ફેબ્રુઆરી માસમાં ૫.૦૩% થયો છે. ફુગાવાનો દર હજીય ઉપર જાય તો તેની સીધી અસર શેરબજારની તેજીની ચાલ પર બ્રેક મારનાર સાબિત થઈ શકે છે.
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છ. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.