રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરવા લાગતા ભારે અફડા તફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કેન્દ્રિય બજેટ બાદ અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત ખરીદી કર્યા બાદ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કોરોનાના કેસો વધવા લાગતાં અને કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના અહેવાલ વચ્ચે દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અહેવાલોની નેગેટિવ અસર જોવા મળી હતી.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે કૃષિ બિલના મામલે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે એવામાં દેશના અનેક રાજયોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે ઊંચા વેલ્યૂએશન્સે ફંડોએ ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કેન્દ્રિય બજેટમાં નાણાંમંત્રીએ ૨૦૨૨ના નાણાં વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ વધારીને રૂ.૧.૭૫ લાખ કરોડ રજૂ કર્યો હતો. બજેટમાં રજૂ થયેલ આ દરખાસ્તને પગલે છેલ્લા એક માસ દરમિયાન સરકાર હસ્તકની કંપનીઓ એટલે કે પીએસયુ શેરોમાં ધૂમ લેવાલી નીકળતા તેમાં અંદાજીત ૨૩% થી ૧૪૫% સુધીનો ઊછાળો નોંધાયો છે. ગત ફેબ્રુઆરી માસમાં રજૂ થયેલાં બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પર ભાર મુકાતા એક માસમાં પીએસયુ કંપનીના શેરોમાં અંદાજીત ૧૪૫% સુધીના ઊછાળા નોંધાવાની સાથોસાથ બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ પણ ૧૬ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
દેશનું અર્થતંત્ર કોરોનાની અસરમાંથી બહાર નીકળી રહ્યું છે, ત્યારે વેપાર વાતાવરણમાં સુધારો તથા બજેટમાં સાનુકૂળ જોગવાઈઓને કારણે રોકાણકારો માટે નાણાંકીય ક્ષેત્રના સ્ટોકસ આકર્ષક બની ગયા છે. વર્તમાન નાણાંવર્ષના ફેબ્રુઆરી માસમાં દેશની ઈક્વિટીઝમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આવેલા ઈન્ફલોઝમાંથી ૫૦% કરતા વધુ રોકાણ બેન્કિંગ સ્ટોકસમાં રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા બેન્ક તથા નાણાં સંસ્થાઓના સ્ટોકસમાં જંગી લેવાલી રહી છે.
ફેબ્રુઆરી માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત કુલ ૩.૫૬ અબજ ડોલરનું રોકાણ કર્યું છે જેમાંથી ૧.૯૬ અબજ ડોલર અથવા તો ૫૫% બેન્કિંગ તથા નાણાંકીય ક્ષેત્રના સ્ટોકસમાં આવ્યું છે. ગત વર્ષના ઓકટોબર માસથી બેન્કિંગ સ્ટોકસમાં એફઆઈઆઈનો નેટ ઈન્ફલોઝ જોવા મળી રહ્યો છે. જો કે જાન્યુઆરી માસમાં નેટ આઉટફલોઝ રહ્યો હતો. ગત જાન્યુઆરી માસમાં વિદેશી રોકાણકારોની આ ક્ષેત્રમાં એસેટ ૩૩.૮% હતી જે ફેબ્રુઆરી માસમાં વધીને ૩૪.૮% થઈ હતી. બેન્કિંગ શેરો બાદ એફઆઈઆઈનું બીજા ક્રમનું મોટું રોકાણ ઓઈલ અને ગેસ ક્ષેત્રના શેરોમાં થઈ રહ્યું હોવા જોવા મળી રહ્યું છે.
બજારની ભાવી દિશા….
સરકાર દ્વારા નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યા બાદ દેશનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહ્યો છે. દેશની આર્થિક પ્રવૃત્તિ ગતિ પકડી રહી છે, પરંતુ કોરોનાવાઈરસના કેસોમાં ફરીથી વધવાને કારણે આઉટલુક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે. જો કે રિકવરીમાં આવી રહેલી મજબૂતાઈ તથા તેના વ્યાપમાં વધારાને કારણે આશા ટકી રહી છે. એકંદર માગના દરેક પરિબળો ગતિમાન થયા છે માત્ર ખાનગી ઈન્વેસ્ટમેન્ટની હજુ ગેરહાજરી જોવા મળી રહી છે.
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર પોઝિટિવ રહેતા તે એક આશાસ્પદ સંકેત છે કારણ કે કોરોનાને પરિણામે સર્જાયેલો મંદીનો તબક્કો પૂરો થયાનું આના પરથી સમજી શકાય છે. પેટ્રો પ્રોડકટસ પર ઊંચી એકસાઈઝ ડયૂટી ચિંતાનો વિષય છે પરંતુ આવકના અન્ય સ્રોતોમાં વધારો દબાણને હળવું કરી શકે છે. આને કારણે પેટ્રોલ, ડિઝલ તથા રાંધણ ગેસના ભાવ નીચે આવી શકે છે, જેનાથી ફુગાવામાં ઘટાડો જોવા મળી શકશે.
મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. ગત સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.