(જી.એન.એસ) તા૧૬
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરીને સપાટો બોલાવ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ગાંધીનગરમાં રેતી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી. ગાંધીનગરના કલેકટર મેહુલ દવેની સૂચના દ્વારા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવી હતી. જેમાં સાદી રેતી – માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં 10 વાહનો જપ્ત કરી રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. જેમાં 6 વાહનો અને ઓવરલોડ ખનિજના વહન કરતાં 4 વાહનો એમ કુલ 10 વાહનો જપ્ત કરાયા છે. ગાંધીનગર પાસે ભાટથી સાદી માટીનો ઓવરલોડ જથ્થો ભરેલ ડમ્પર તેમજ કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતેથી સાદી રેતીનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ડમ્પરને ઝડપી લેવાયું હતું. એજ રીતે વાવોલ, દોલારાણા વાસણા, પેથાપુર, મોટા ચિલોડા, ઉનાવા, પિપળજથી પણ ટ્રેક્ટર – ડમ્પર મળીને અન્ય 8 વાહનો પકડીને કુલ રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રીની ટીમે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોબર-2024થી આજ દિન સુધી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 103 કેસો કરી 79.3 લાખની વસૂલાત કરાઈ છે. તેમજ ચાલુ વર્ષ 2024-25 દરમ્યાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 219 કેસો કરી 217.67 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનન સબબની કુલ બે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.