(જી.એન.એસ) તા.૨૭
ગાંધીનગર,
ખેલ મહાકુંભ ૨.૦ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૨ નવેમ્બર ૨૦૨૪ના રોજ ભાવનગર એસએજીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાજેતરમાં ફુટસલ પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. તા. ૦૬ થી ૧૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી યોજાયેલી ચાર દિવસીય પસંદગી ટ્રાયલ્સમાં ૬૨ પ્રતિભાશાળી ખેલાડીઓએ પ્રાથમિક કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી હતી. જેમાં ગુજરાતની ૦૯ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલી કુલ ૨૫ મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન ક્ષણ છે. પસંદગી પામેલા આ મહિલા ખેલાડીઓમાં ગુજરાતની દ્રષ્ટિ પંત, ખુશ્બૂ સરોજ, રાધિકા પટેલ, મધુબાલા અલાવે, શ્રેયા ઓઝા, રીયા મોદી, ખુશી શેઠ, માયા રબારી, અને તન્વી મવાણી, મહારાષ્ટ્રની રીતિકા સિંહ, પૂજા ગુપ્તા, આર્ય મોર્ય, વૈષ્ણવી બારાતે, કેરળની અલ્ફોન્સીયા એમ, સંથારા કે, અન્જીથા એમ, અશ્વિની એમ આર, દિલ્લીની દેબીકા તાંતી, અક્ષિતા સ્વામી, સંધ્યા કુમારી, રેબેકા ઝામ્થીંમાંવી, અરુણાચલ પ્રદેશની અચોમ દેગીઓ, મીતીનામ પેર્મે, અસમની પુષ્પા સાહુ તેમજ તેલંગાણાની અલાખ્યા કોડીની મહિલા ફૂટસલ રમતમાં પસંદગી થઇ છે. જે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અગામી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ઈન્ડોનેશિયામાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા માટે રવાના થશે અને દેશનું નામ રોશન કરશે.‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે ગુજરાતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે જેના મૂળમાં છે ખેલ મહાકુંભ…… ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભમાં ગ્રામીણ કક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પરિણામે ઈન્ડોનેશિયા ખાતે યોજાનાર ફૂટસલ રમતમાં ગુજરાતની ૯ દીકરીઓએ સ્થાન મેળવ્યું છે તેમ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.