Home ગુજરાત ગાંધીનગર સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩,૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે...

સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩,૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ:- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

46
0

(જી.એન.એસ)તા.૧૬

ગાંધીનગર,

આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૬,૬૦૦થી વધુ ખેડૂતોને રૂ. ૧૮૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈ ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો. ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં નવી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં મૂકી હતી. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૭૫,૦૦૦ સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રાજ્યના ૩૬,૬૦૦થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા માટે રૂ. ૧૮૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ ૧૩,૯૮૨ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે ૧૬ થી ૧૭ મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ૩૩૦ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં કરન્સી ટ્રેડિંગમાં બમ્પર પ્રોફિટની વાતોમાં ફસાવી વેપારી પાસે 75.37 લાખ ઠગી લીધા
Next articleરાઈના પાકમાં સંકલિત રોગ – જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના પગલાં અંગે ખેડૂતોને માર્ગદર્શન