Home ગુજરાત કચ્છ કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે;...

કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર

143
0

(G.N.S) Dt. 14

ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી બેઠા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે.

માત્ર 3 દિવસનો રણોત્સવ બન્યો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોઝારા ભૂકંપ બાદ કચ્છની તસ્વીર સંપૂર્ણપણે બદલવાનો દ્રઢ સંકલ્પ લીધો અને આ ભૂમિને પુનર્જીવિત કરવાના મિશનને સાકાર પણ કર્યું. આમાં કચ્છના સફેદ રણમાં શરુ થયેલા રણોત્સવે મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે ચમકતા સફેદ રણની અનંત ક્ષિતિજો જોતાં આ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો અને એકમાત્ર સફેદ રણનો ઉત્સવ- ‘કચ્છ રણોત્સવ’ ઉજવવાનું નક્કી કર્યું. ભુજથી 80 કિમીના અંતરે આવેલા ધોરડો ખાતે ત્રણ દિવસીય રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે 4 મહિનાનો લાંબો ઉત્સવ બની ચૂક્યો છે.

2024-25ના રણોત્સવમાં ટકાઉ પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે
આ વર્ષે રણોત્સવના આયોજનમાં ટકાઉ પ્રવાસન (સસ્ટેનેબલ ટુરિઝમ) પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમ કે, પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ, સફેદ રણમાં જવા માટે બાઈસિકલ રાઈડ, ટેન્ટ સિટીમાં વેસ્ટ સેગ્રીગેશન અને ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવની સાથે-સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઈ શકે તે માટે અલગ અલગ ટ્રાવેલ આઇટિનરી પણ ઉપલબ્ધ થશે.

2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી
રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટી છે. આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રણમાં 3-સ્ટાર હોટલ/રિસોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ 400 જેટલા ટેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. આ વર્ષે 11 નવેમ્બરથી ટેન્ટ સિટીની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. ટેન્ટ સિટીમાં રહીને પ્રવાસીઓ મીઠાના સફેદ રણનું અદ્ભુત કુદરતી સૌંદર્ય, લોકસંસ્કૃતિ તેમજ પરંપરાગત ભોજનનો આનંદ માણે છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સફેદ રણના વૉચ ટાવર ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેથી મુલાકાતીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. તો આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા ધોળાવીરા ખાતે પણ PPP ધોરણે 44 રૂમ સાથેના રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24ના રણોત્સવમાં 852 વિદેશી સહિત 7.42 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.

2023-24માં રણોત્સવના કારણે ક્રાફટ સ્ટોલ ધારકોને ₹6 કરોડથી વધુની આવક થઈ
રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે. રણોત્સવ થકી રોગાન કળા, ઓરીભરત, મીનાકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, જરદોશી કળા, કાષ્ઠકળા વગેરેમાં પારંગત કારીગરોને રોજગારી તો મળે જ છે, સાથે કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે. સ્થાનિક કારીગરોને રોજગાર મળે તે હેતુથી ટેન્ટસિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના લાઈવ ડેમોની સાથે દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, રણોત્સવ ખાતે દરરોજ કલ્ચરલ શૉ રાખવામાં આવ્યા છે જ્યાં સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવામાં આવશે. 2023-24ના રણોત્સવમાં અંદાજિત 2 લાખ લોકોએ ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેના દ્વારા ક્રાફટ સ્ટોલ ધારકોને અંદાજિત ₹6.65 કરોડ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત ₹1.36 કરોડની આવક થઈ હતી. આ વર્ષે ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની શરૂઆત 1 ડિસેમ્બર 2024થી થશે.

રણોત્સવના કારણે છેલ્લાં 2 દાયકામાં સરહદી જિલ્લો કચ્છ વિશ્વ ફલક પર ઝળક્યો
ધોરડો ટેન્ટ સિટી ખાતે દર વર્ષે જુદી-જુદી થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રણ કે રંગ નામની થીમ પર રણોત્સવ યોજાઈ રહ્યો છે. દિવસે અને રાત્રે ચમકતા રણનો અદ્ભુત નજરો જોઈને પ્રવાસીઓ અચરજ પામે છે. ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન થકી છેલ્લાં 2 દાયકામાં સરહદી જિલ્લો કચ્છ ટુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યો છે અને અહીંનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field