(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન
જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અલાયદા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની શરૂઆત કરાવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ યુવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, તેમજ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે રાજ્યના સામાન્ય લોકો પણ માહિતગાર થાય તે માટે સતત કાર્યરત છે.
આવી જ એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના આગામી 24 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સર્જાશે, જ્યારે સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે એટલે કે ગ્રહોની પરેડ (પ્લેનેટરી પરેડ) યોજાશે. આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે તેમજ આ ખગોળીય ઘટનાને રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે, ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી, રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) અને રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો (CSCs) ના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમો (પબ્લિક ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ)ની શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રહોની પરેડ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ
ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે, જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દ્રશ્યમાન હોય છે. આગામી 24-25 જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ અને શનિ, આ પાંચ ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે, જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે. આ સંરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણકક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક દ્રશ્ય ઘટના છે.
અવકાશમાં યોજાતા ગ્રહોના આવા સંરેખણો શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટનાઓ ગ્રહોની ગતિ, ગ્રહણ સમતલ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે. આવી ઘટનાઓ ખગોળશાસ્ત્રમાં રસ લેવા માટે જાહેર જનતાને પ્રોત્સાહિત કરે છે તેમજ વિદ્યાર્થીઓ અને અવકાશી ઘટનાઓના ઉત્સાહીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે.
ગ્રહોની પરેડ એ આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓનું પ્રતિબિંબ છે. આવા અવલોકન કાર્યક્રમનું આયોજન કરવા પાછળ GUJCOSTનો ઉદ્દેશ યુવાનો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસાને જગાડવાનો છે, જેથી કરીને અવકાશીય મિકેનિક્સ અને બ્રહ્માંડ અંગેની તેમની સમજણમાં વધારો થાય.
સમગ્ર ગુજરાતમાં યોજાનારા કાર્યક્રમો:-
જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ખગોળીય ઘટનાનો આનંદ માણી શકે તે માટે GUJCOSTએ વ્યાપક વ્યવસ્થા કરી છે. આ માટે નીચે મુજબના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે:
• ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ: લાઇવ ટેલિસ્કોપિક ઓબ્ઝર્વેશન, નિષ્ણાંતો સાથે સંવાદ (એક્સપર્ટ ટોક)
• રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ (ભાવનગર, ભુજ, પાટણ અને રાજકોટ): માર્ગદર્શિત રાત્રિ આકાશ નિરીક્ષણ સત્રો, ઇન્ટરેક્ટિવ ખગોળશાસ્ત્ર વર્કશોપ અને વિશેષ પ્રદર્શનો.
• કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ: ગ્રહોની ગતિ અને અવકાશીય સંરેખણ પાછળના વિજ્ઞાનને સમજાવવા માટે વ્યાવહારિક પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં ગ્રહોની પરેડ પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સમજણ કેળવવા અને સાથે-સાથે આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓ વિશે જિજ્ઞાસાનો ભાવ વિકસિત કરવા માટે આ કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ખગોળીય ઘટનાના નિરીક્ષણ માટેના સૂચનો:-
1. સમય: જો હવામાન અનુકૂળ હોય તો, ગ્રહોની પરેડ જોવા માટેનો શ્રેષ્ઠ સમય બંને રાત્રિએ 7.00થી 10.00 વાગ્યાનો છે.
2. સ્થાન: શ્રેષ્ઠ વ્યૂ જોવા માટે શહેરથી દૂર સ્વચ્છ અને ઘેરા આકાશવાળી જગ્યા પસંદ કરો.
3. દૂરબીન/ટેલિસ્કોપ: આમ તો ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે, પરંતુ ગુરૂના ઉપગ્રહો અને શનિના વલયો જોવા માટે દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી આ અનુભવ વધુ સારો બની શકે છે.
4. દિશા: બુધ અને શુક્ર ગ્રહ માટે સૂર્યાસ્ત પછી પશ્ચિમ ક્ષિતિજ તરફ જુઓ, જ્યારે મંગળ, ગુરુ અને શનિ વધુ ઉપરની તરફ દેખાશે.
5. સ્કાય ઍપ્સ: ગ્રહો અને તેમની સ્થિતિ વિશે જાણવા માટે મોબાઇલ એસ્ટ્રોનોમી ઍપ્સનો ઉપયોગ કરો.
એક ભવ્ય ખગોળીય ઘટનાના સાક્ષી બનવાની અને બ્રહ્માંડ સાથે જોડાવાની આ એક અમૂલ્ય તક છે. GUJCOST દ્વારા દરેકને અવલોકન કાર્યક્રમોમાં ભાગ લેવા અને સૌરમંડળમાં રહેલી અજાયબીઓને શોધવાનું આમંત્રણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.