અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર અને લેખન સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી
(G.N.S) Dt. 6
અમદાવાદ,

અમદાવાદ,
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ના સંદર્ભમાં અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં ‘લોકશાહીના મહાપર્વ’ નિમિત્તે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન અંતર્ગત ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓની સાથે સામૂહિક મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’, ‘મારો મત, મારી તાકાત’ અને ‘મારો મત, લોકશાહીનો આધાર’ જેવા વિષયો પર પોતાની કલા અને વિચારોના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
વધુમાં, વિદ્યાર્થીઓએ લોકશાહીના આ ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવતા મતદાન કરવા માટેના પવિત્ર શપથ ગ્રહણ કર્યા હતા, જેનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો છે.
વિશેષ રીતે, શાળાના વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત કસોટીના અભ્યાસ કે સમયપત્રકને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના આ પ્રવૃત્તિઓનું અત્યંત સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.

