(G.N.S) Dt. 6
ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે,
- ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની માનસિકતા વર્ષો જૂની છે, ગુજરાત આ અપમાન સહન નહિ કરે.
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત અનુભવે છે.
- દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને કોંગ્રેસે તેમની પણ ઉપેક્ષા કરી હતી.
- સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું કામ પણ કોંગ્રેસની સરકારોએ કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા
- પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું છેઃ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના પાંચ વેધક સવાલોઃ કોંગ્રેસ અધ્યશ્ર આ સવાલોના જવાબ આપે અને જનતા-જનાર્દનની માફી માંગે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી કડક શબ્દોમાં આલોચના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, આ નિવેદન પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન છે. આવા નિવેદનથી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નહીં પણ વર્ષોજૂની છે. કોંગ્રેસના નેતાનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના ગુજરાત વિરોધી વલણની વિગતો આપણા કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારતરત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું તેમાં પણ કોંગ્રેસે અડચણો ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા.
સરદાર સરોવર ડેમના કામમાં રોડા નાંખવાનું કામ પણ કેન્દ્રની કોંગ્રેસની સરકારોએ કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કર્યાં હતાં તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂતકાળમાં કોંગ્રેસ તરફથી ગુજરાતને થયેલા અન્યાયની વિસ્તૃત વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસીડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું આર્થિક નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણીમાં પણ અન્યાયનો સીલસીલો ચાલુ રાખ્યો હતો. ખેડૂતોને જ્યારે મબલખ કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી હતી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતાં ઉદ્યોગોને પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારીને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. આ ઉપરાંત કેન્દ્રીય નીતિનિયમોના કારણે ગુજરાતને કોલસો દૂરનાં રાજ્યોમાંથી મોંઘાભાવે ખરીદવો પડતો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ જેવા મહાપુરુષો, કનૈયાલાલ મુન્શી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડૉ. વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભૂવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડો. એચ.એમ પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશના વિકાસમાં ગુજરાતના યોગદાન અંગે કહ્યું કે, ગુજરાત દેશના જી.ડી.પી.માં 8%થી વધુ યોગદાન આપે છે, ઔદ્યોગીક ઉત્પાદનમાં દેશમાં ૧૭ ટકા તેમજ દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાતનો છે.
વધુમાં તેમણે કહ્યું કે, દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન ૩૦ ટકા અને નિકાસમાં ૧૯ ટકા છે અને દેશની રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાતનો ૧૬.૫૦ ટકા શેર છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટીના નિર્માણથી દેશનું ફિનટેક કેપિટલ બન્યું છે, ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેને પડકારતા કહ્યું કે, ગુજરાતીઓને તેઓ કઈ રીતે અભણ અને મૂર્ખ કહી શકે? જો ગુજરાત અભણ હોત તો આટલો વિકાસ થઈ શક્યો હોત ખરો? તેવો વેધક સવાલ પણ તેમણે કોંગ્રેસ પ્રમુખને કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે ઝિંક ઝિલીની રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવ્યું. તેના પરિણામે ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મુકીને કોંગ્રેસને સતત સ્પષ્ટ જાકારો આપ્યો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે કાર્યરત રહીને દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પ્રયત્નરત છે. તેમણે અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન અપાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને ગુજરાતનું અપમાન કરતાં આવા નિવેદનોનો બફાટ કરે છે.
વિકાસની રાજનીતિના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી દેશમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતા જનાર્દન ભવ્ય વિજય અપાવશે જ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી-
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું ગણાવ્યું હતું.
તેમણે કોંગ્રેસ અધ્યશ્રને પાંચ સણસણતા સવાલો કર્યા હતા –
- ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીને અપમાનિત કરતા તમને એક પળ પણ શરમ ન આવી?
- જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ જીતતી રહી ત્યાં સુધી ગુજરાતની જનતા સારી હતી અને જેવા હારવા માંડ્યા કે એટલે ગુજરાત ખરાબ થઈ ગયું?
- આ તમારી કેવી સોચ છે? ગુજરાતના મારા ભાઈઓ-બહેનો દિવસ-રાત મહેનત કરીને દેશનું નામ રોશન કરે છે એ સફળતા તમને તકલીફ આપે છે?
- દરેક ચૂંટણીઓમાં ગુજરાતને જ કેમ નિશાન બનાવો છો? દરેક વખતે ગુજરાતીઓને જ કેમ ગાળો આપો છો? તમારી આ નફરતનું મૂળ શું છે એ કહો?
- તમે કરેલું આ નિવેદન એ તમારી વ્યક્તિગત હતાશા છે કે ગુજરાતને જ હંમેશા નિશાન બનાવવાની આખી કોંગ્રેસની સત્તાવાર નીતિ છે?
શ્રી સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ પાંચ સવાલોના જવાબ આપે અને ગુજરાત જ નહિ, દેશની જનતાની પણ માફી માંગે.

