(G.N.S) Dt. 10
અમદાવાદ,
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા એન.જે. ગ્રૂપના સહયોગથી સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસીય આ મિની ઓલિમ્પિક ગેમ્સના બીજા દિવસે અંડર-9 ભાઈઓ માટે 11 પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામમાં રહેતાં બાળખેલાડી તાહેડ જયપાલ મહેશભાઈ વિજેતા બન્યા હતા. અત્યંત કઠીન પરિસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે હરળફાળ ભરતાં જયપાલ તાહેડની સફલ્યગાથા જાણવા જેવી છે.
9 વર્ષીય તાહેડ જયપાલ મહેશભાઈ હાલ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામમાં આવેલી મીરોલી પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જયપાલના માતા-પિતા મીરોલી ગામમાં ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેશભાઈના પરિવારમાં ચાર ભાઈ અને બે બહેનો છે. જેમાં જયપાલ પોતાના માતા-પિતાનું ચોથા નંબરનું સંતાન છે. જયપાલના પિતાશ્રી મહેશભાઈ મૂળ દાહોદ જિલ્લાના ઉડાર ગામના છે અને અમદાવાદના મીરોલી ગામમાં પોતાની ધર્મપત્ની સાથે ખેતમજૂરી કરે છે.
જયપાલનું સ્વપ્ન ભવિષ્યમાં ભારતીય સેનામાં જોડાવવાનું છે. તેને રમતગમત ક્ષેત્રે આગળ વધવું છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ એથ્લેટિક્સ મીટના માધ્યમથી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી હવે જયપાલને સીધી DLSS પ્રવેશ પ્રક્રિયા આપવાની તક મળશે, જે તેના રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યને રેખાંકિત કરે છે. અગાઉ યુનિવર્સિટી દ્વારા આયોજિત એથ્લેટિક્સ મીટના કારણે 154 બાળ ખેલાડીઓને DLSSમાં પ્રવેશ મેળવ્યો છે અને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે.
અંડર-9 ભાઈઓની એથ્લેટિક્સ મીટમાં 800 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. 11 પ્રકારની સ્પર્ધાઓમાં વિજેતા થનાર કુલ 264 ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર અને ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અગાઉ આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર–11 એથ્લેટિક્સ મીટની ત્રણ સિઝનમાં કુલ 20, 000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમાંથી અનેક બાળકો આજે રમતગમતના ક્ષેત્રે ભારત માટે ઓલિમ્પિક રમવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

