(G.N.S) Dt. 18
ગાંધીનગર,
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 ડિસેમ્બર, 2025 એ વિવિધ કાર્યક્રમો આરંભ થશે અને બીજા દિવસે 20 તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી પ્રદર્શન યોજાશે. આ તમામ કાર્યક્રમો તાજાવાળા હોલ અને નટવર સિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું “સશક્ત નારી મેળા” અને પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્સ્ટેન્શન) શ્રી આર. એન. ડોડીયા (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ-ખંભાળિયા ખાતે 19 ડિસેમ્બર 2025ના બપોરે 3:00 કલાકે આયોજિત કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ (IAS)ની વિશેષ હાજરી રહેશે. આ એક દિવસીય જિલ્લાસ્તરીય કાર્યક્રમો સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવે છે.
ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રી તથા પ્રભારીમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જીઓલૉજી એન્ડ માઇનીંગના કમિશનર ડૉ. ધવલ પટેલ (IAS)ની વિશેષ હાજરી રહેશે. તેઓ VGRC અંગે પ્રસ્તુતિ આપી ખનિજ ક્ષેત્ર, ઔદ્યોગિક વિકાસ અને રાજ્યની નીતિઓ અંગે માર્ગદર્શન આપશે, જે ઉદ્યોગકારો માટે ઉપયોગી સાબિત થશે.
બોટાદ જિલ્લામાં 19 ડિસેમ્બર 2025ના સવારે 10:00 કલાકે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પ્રવિણા ડી કે. ની વિશેષ હાજરી રહેશે. તેઓ ઉદ્યોગ વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તકો અંગે માર્ગદર્શન આપશે, જેના દ્વારા સ્થાનિક MSMEs અને સ્ટાર્ટ-અપ્સને નવી દિશા મળશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 19 ડિસેમ્બર 2025ના સવારે 10:30 કલાકે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે તથા કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી અને કમિશનર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ (IAS) દ્વારા પ્રાદેશિક કોન્ફરન્સ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવશે. અહીં સ્ટાર્ટ-અપ, ઇનોવેશન, MSMEs અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. VGRC અંતર્ગત યોજાતી આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

