(G.N.S) Dt. 18
ગાંધીનગર,
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના સ્વાસ્થ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાના ઉદ્દેશથી સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતનો મંત્ર આપ્યો હતો. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈપણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તબીબી સારવાર માટે આર્થિક સહાય આપતી કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના છે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના સાથે જોડવામાં આવી છે.
સંયુક્તપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. વધુમાં, જુલાઈ, 2023માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ AB PMJAY – MA અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુટુંબદીઠ વાર્ષિક વીમાની રકમ ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે, આ બાબત દર્શાવે છે કે, ગુજરાતે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત અને સુલભ બનાવી છે, જે રાજ્યમાં સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવે છે કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે આપણે ગુજરાતમાં યોગથી આયુષ્માન સુધીના પ્રકલ્પો અમલી બનાવ્યા છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આપણે ₹5 લાખની આર્થિક સહાય વધારીને ₹10 લાખ કરી છે. આ યોજના થકી ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં પણ લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. આજે સરકારી હોસ્પિટલોમાં પણ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ગુજરાત થકી વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના લક્ષ્યાંકને આપણે સાકાર કરીશું.”
AB PMJAY – MA હેઠળ આર્થિક સહાય ₹5 થી વધીને ₹10 લાખ થતા પ્રિમિયમની રકમમાં વધારો
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ (AB PMJAY – MA) હેઠળ જ્યારે ₹5 લાખની આર્થિક સહાય આપવામાં આવતી હતી, ત્યારે 1 જુલાઈ, 2021 થી 10 જુલાઈ, 2022 સુધી કુટુંબદીઠ પ્રિમિયમની રકમ ₹2177.10 હતી, અને તે સમયગાળા દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹1681.20 કરોડ થયો હતો. ત્યારબાદ, 11 જુલાઈ, 2022 થી 10 જુલાઈ, 2023 દરમિયાન પ્રિમિયમ ₹1492 હતું, જે દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹1363.52 કરોડ થયો હતો.
10 જુલાઈ, 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી, જેનાથી પ્રિમિયમની રકમ વધીને ₹3708 થઈ છે. કુલ નાણાકીય ખર્ચની વાત કરીએ તો, 11 જુલાઈ, 2023થી 10 જુલાઈ, 2024 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹2676.26 કરોડ જ્યારે 11 જુલાઈ, 2024 થી 10 જુલાઈ, 2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹ 3210.03 કરોડ થયો છે.
AB PMJAY – MA યોજના હેઠળ રાજ્યમાં કુલ 2090 હોસ્પિટલો એમ્પેનલ્ડ છે, જેમાંથી 1132 સરકારી જ્યારે 958 ખાનગી હોસ્પિટલો છે. આ યોજના હેઠળ નવેમ્બર, 2025 સુધીમાં કુલ 2299 પ્રોસિજરો તેમજ 50 SRS પ્રોસિજરોને આવરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન પર છે.
રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનરો માટે ‘કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના’
ગુજરાત સરકાર દ્વારા મે, 2025માં રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ ઉપરાંત, ઓલ ઇન્ડિયા સર્વિસિસ (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો અને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને પણ AB PMJAY-MA હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ આપવામાં આવે છે. ગુજરાત કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MA કાર્ડ આપવામાં આવે છે. G કેટેગરી અંતર્ગત કુલ 6.40 લાખ જેટલા લાભાર્થીઓ છે.
66 વર્ષીય ફારુકભાઈને હૃદયરોગની સારવાર માટે AB PMJAY–MA હેઠળ મળી ₹5,24,040ની આર્થિક સહાય
અમદાવાદના નિવાસી 66 વર્ષીય ફારુકભાઈ ખિમાણી એક જનરલ સ્ટોર ચલાવે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી સામાન્ય છે. ફારુકભાઈને હૃદયમાં દુખાવો થતા યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. તેમનો ઇસીજી કરવામાં આવ્યો, જેનાથી કોરોનરી આર્ટરી ડીસીઝની જાણ થઈ. તેમને હૃદયની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી, જેના માટે ઘણો ખર્ચ થાય એમ હતો. આ સમયે તેમની મદદે આવી પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા અમૃતમ યોજના (PMJAY–MA), જે હેઠળ તેમને રાજ્ય સરકાર દ્વારા ₹5,24,040ની આર્થિક સહાય આપવામાં આવી. મે, 2025માં PMJAY-MA હેઠળની સહાયથી ફારુખભાઈની કોરોનરી એન્જિયોગ્રાફી અને ત્યારબાદ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG) ની સર્જરી કરવામાં આવી. ત્યારબાદ, તાજેતરમાં, એટલે કે ડિસેમ્બર, 2025માં જ તેમને શ્વાસની તકલીફ થતા યુએન મહેતા હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા અને ત્યાં સફળતાપૂર્વક તેમની CRT-P ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે. હાલ તેઓની તબિયત ઘણી સારી છે અને રાહત અનુભવે છે. ફારૂકભાઈ જણાવે છે કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમને અને તેમના જેવા દર્દીઓને ખૂબ મદદરૂપ થઈ રહી છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ માટે સરકારે આ યોજના લાગુ કરી તે માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર!

