રેટિંગ એજન્સી ઈકરાએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સ્ટીલ સેક્ટરનું આઉટલૂક ‘સ્થિર’ રાખ્યું છે. એજન્સીના રિપોર્ટ અનુસાર દેશમાં સ્ટીલની માંગ આ વર્ષે આશરે ૮% વધવાની શક્યતા છે. જોકે સપ્લાય વધવાથી સ્ટીલના ભાવ પર દબાણ યથાવત રહેશે, જેના કારણે કંપનીઓના નફા માર્જિન પર અસર થવાની સંભાવના છે. ઈકરાના અંદાજ મુજબ સ્ટીલ ઉદ્યોગનું સરેરાશ ઓપરેટિંગ માર્જિન લગભગ ૧૨.૫% આસપાસ સ્થિર રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં સ્ટીલ સપ્લાય વધતા ટૂંકા ગાળામાં સરપ્લસની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ભાવ પર દબાણ વધ્યું છે.
સ્થાનિક હોટ-રોલ્ડ કોઈલ (HRC)ના ભાવ એપ્રિલ ૨૦૨૫માં ટનદીઠ આશરે રૂ.૫૨,૮૫૦ હતા, જે ઘટીને નવેમ્બરમાં રૂ.૪૬,૦૦૦ સુધી આવી ગયા છે. આ ભાવ આયાત થતા સ્ટીલ કરતાં પણ નીચા સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે પણ ભાવ પર દબાણ વધ્યું છે. ચીને તેના માળખાકીય પડકારોને કારણે સ્ટીલની નિકાસમાં વધારો કર્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ચીનની સ્ટીલ નિકાસ ૮.૮ કરોડ ટનની વિક્રમી સપાટીએ પહોંચી છે. તેના કારણે વૈશ્વિક બજારમાં સ્ટીલના ભાવ પર નકારાત્મક અસર પડી છે. ચીનના HRC નિકાસના ભાવ પ્રથમ સાત મહિનામાં સરેરાશ ટનદીઠ ૪૬૫ ડોલર રહ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં તે ૪૯૬ ડોલર હતા.
ભારતમાં ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં નોંધપાત્ર ૩૩% ઘટાડો થયો હોવા છતાં, ઈકરાએ સેફગાર્ડ ડ્યૂટી આગળ પણ ચાલુ રહેશે કે કેમ તે બાબત મહત્વની ગણાવી છે. બેઝલાઈન સિનેરિયો મુજબ ચાલુ વર્ષે HRCના સરેરાશ ભાવ ટનદીઠ રૂ.૫૦,૫૦૦ આસપાસ રહેવાની શક્યતા છે. ઓપરેટિંગ પ્રોફિટ ટનદીઠ ૧૦૮ ડોલર રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે નોંધાયેલા ૧૧૦ ડોલર કરતાં થોડો ઓછો છે. ઈકરાએ સ્ટીલ ઉદ્યોગમાં ચાલી રહેલા મોટા પાયાના વિસ્તરણ અંગે પણ ચેતવણી આપી છે. સ્થાનિક સ્ટીલ મિલો આગામી પાંચ વર્ષમાં ૮ થી ૮.૫ કરોડ ટન ક્ષમતાનો ઉમેરો કરવાની યોજના ધરાવે છે, જેના માટે અંદાજે ૪૫ થી ૫૦ અબજ ડોલરનું રોકાણ કરવું પડશે.
જો કમાણીમાં નોંધપાત્ર સુધારો નહીં થાય તો આટલા મોટા રોકાણને કારણે ઉદ્યોગનું લિવરેજ વધવાની શક્યતા છે. ગ્રીન સ્ટીલ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં તેની માંગ ૨૦૨૯-૩૦ સુધીમાં માત્ર ૨% સુધી પહોંચશે, જ્યારે ૨૦૫૦ સુધીમાં તે ૪૦% સુધી વધી શકે છે. જોકે ગ્રીન હાઈડ્રોજનના ભાવ કિલોગ્રામ દીઠ ૧.૫થી ૧.૬ ડોલર સુધી નહીં ઘટે ત્યાં સુધી ગ્રીન સ્ટીલની વ્યાપક સ્વીકૃતિ મુશ્કેલ રહેશે. હાલના તબક્કે આવા ભાવ ઘટાડાની શક્યતા ઓછી હોવાનું પણ એજન્સીએ નોંધ્યું છે.

